માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી

October 16, 2021

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પિતાની સારવાર દરમિયાનની તસવીર શેર કરવા બાબતે આકરી પ્રતિક્રિયા જણાવી છે. ધ ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યુમાં દમન સિંહે કહ્યું હતું કે મારા પેરન્ટ મુશ્કેલભરી સ્થિતિનો સામનો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે, ઝૂના જાનવર નથી.

પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે ન્યૂઝ ચેનલો પર કેટલાક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં મનમોહન સિંહ બેડ પર સૂતેલા દેખાય છે અને તેમનાં પત્ની ગુરશરણ કૌર તેમની નજીક ઊભાં છે.

દમને કહ્યું- મારાં માતાએ તસવીર લેવાની ના પાડી હતી
દમને કહ્યું હતું કે 'મારા પિતાની AIIMSમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે, પરંતુ તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે. અમે સંક્રમણના જોખમને કારણે ખબર કાઢવા આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરોગ્યમંત્રી ખબર કાઢવા માટે આવ્યા અને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી એ સારી વાત છે, જોકે મારા પેરન્ટ એ સમયે ફોટો પડાવવાની સ્થિતિમાં નહોતા. મારી માતાએ ભારપૂર્વક કહ્યું હતું કે ફોટોગ્રાફરે રૂમમાંથી બહાર જવું જોઈએ, પરંતુ તેમની આ વાતને પૂરી રીતે અવગણવામાં આવી હતી. આ બાબતે તેઓ ખૂબ જ પરેશાન હતાં.'

ડોક્ટરોએ કહ્યું - દર્દીઓની ગોપનીયતા જાળવવી એ નૈતિકતા
આ બાબતે ડોક્ટરોએ કહ્યું હતું કે દર્દીઓની ગોપનીયતા જાળવવી એ નૈતિકતા છે, જે મેડિકલ શિક્ષણ દરમિયાન શીખવવામાં આવે છે. ડોકટરો અને હોસ્પિટલોની જવાબદારી છે કે દર્દીની ગોપનીયતા સુરક્ષિત રહેવી જોઈએ. ફોરમ ફોર મેડિકલ એથિક્સ સોસાયટી (FMES)ના એક સભ્યએ કહ્યું હતું કે જો પૂર્વ વડાપ્રધાનની તસવીર તેમના પરિવારની સંમતિ વિના લેવામાં આવી હોય તો એ નૈતિકતાનું ઉલ્લંઘન છે.