દિલ્હી સરકારે કોરોનાને મહામારી જાહેર કરી, 31 માર્ચ સુધી થિયેટરો બંધ

March 12, 2020

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. સરકારે દિલ્હીના તમામ સિનેમા ગૃહો અને જે શાળા-કોલેજોમાં પરીક્ષા નથી ચાલી રહી તેન 31 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ સાથે મીટિંગ બાદ મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે. હરિયાણાં બાદ દિલ્હી કોરોનાને મહામારી જાહેર કરનારું બીજુ રાજ્ય બની ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 73 કોરોનાના દર્દીઓ સામે આવી ચુક્યા છે અને કેરળમાં તેના સૌથી વધારે દર્દીઓ છે.

દિલ્હી સરકારે તમામ શાળા, કોલેજો, સિનેમા ગૃહો અને લોકો એકઠાં થતાં હોય તેવી મોટી જગ્યાઓને 31 માર્ચ સુધી બંધ કરી દીધી છે. આ જાહેરાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસથી ડરવાની કોઈ જરૂર નથી. દિલ્હીમાં તેની સામે લડવાની તમામ વ્યવસ્થા છે. એમ્સ અને અન્ય એક હોસ્પિટલમાં તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે દર્દીઓને આઈસોલેશનમાં રાખવા અને તેમની સારસંભાળ માટે લગભગ 25 જગ્યાએ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જરૂર પડ્યે તેના માટે વધું વ્યવસ્થા કરવામાં આવશે.