દિલ્હી હિંસા: વધુ ચાર મૃતદેહો મળ્યા, 254 FIR નોંધાઈ

March 02, 2020

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં હિંસક તોફાનો શમી ગયા પછી પણ વાતાવરણ તંગ અને અજંપાભર્યું હતું. અફવા દ્વારા નવેસર હિંસા પ્રગટાવવાના પ્રયાસો કરી રહેલી બે શંકાસ્પદ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન, ગોકુલપુરી અને શિવ વિહાર વિસ્તારના નાળામાંથી વધુ ચાર મૃતદેહો મળ્યા હતા. ગુપ્તચર વિભાગે અત્યાર સુધીમાં અંકિત શર્મા સહિત કેટલાક મૃતદેહો નાળામાંથી કબજે કર્યા હતા. કુલ કેટલા મૃતદેહો મળ્યા એનો આંકડો સત્તાવાળા જાહેર કરતા નથી.

પોલીસે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો ગોકુલપુરીમાં અને એક શિવ વિહારમાં મળ્યો હતો. કુલ 903 વ્યક્તિની પોલીસે જુદા જુદા આરોપો હેઠળ ધરપકડ કરી હતી.

સ્થાનિક લોકોએ રોકડ રકમની તંગીની ફરિયાદ કરી હતી કારણ કે હિંસા અને દંગલો દરમિયાન, બેંકોના એટીએમ બંધ થઇ ગયા હતા અને એટીએમમાં નવેસર નાણાં ભરવાની સગવડ રહી નહોતી. ગેરકાયદે હથિયારો રાખવા બદલ 41 વ્યક્તિ સામે પોલીસે ફેસ નોંધ્યા હતા.