ધંધુકા હત્યાકાંડ- 2 આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝની ધરપકડ

January 28, 2022

- મૌલવીઓની ઉશ્કેરણીમાં થઇ યુવકની હત્યા
અમદાવાદ: ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બંને આરોપીઓ ઝડપાઈ ગયાની માહિતી આપ્યા બાદ એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કેસ મામલે વધુ ખુલાસા કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એસપીએ જણાવ્યું છે કે ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં બે આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝની પોલીસે ધરપકડ કરી છે.
વધુમાં એસપીએ જણાવ્યું છે કે ગત 6 તારીખે મૃતક યુવકે સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુકી હતી. જેનાથી કેટલાંક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેને લઈને યુવક સામે 9 જાન્યુઆરીએ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જોકે, પોલીસ ફરિયાદથી આરોપીઓ ખુશ ન હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કઈ રીતે સમગ્ર કાંડને અંજામ આપ્યો તેની માહિતી આપી હતી. એસપીએ જણાવ્યું છે એક બંને આરોપીઓએ મૌલવીના પ્રભાવમાં આવીને આ કૃત્ય આચર્યુ હતું. જમાલપુરમાં રહેતા એક મૌલવીએ તેમને હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. આરોપીઓના જણાવ્યા પ્રમાણે જમાલપુરમાં રહેતા મૌલવી યુસુફ અલી જોરાવાલાની ઉશ્કેરણીમાં તેમણે આ કૃત્ય કર્યું હતું અને હત્યા કરવા માટે હથિયાર પણ તેમને મૌલવીએ જ આપ્યા હતા.


સૌથી ચોંકાવનારી બાબત એ આવી છે કે સમગ્ર પ્રકરણમાં દિલ્હી મુંબઈના મૌલવીઓની સંડોવણી પણ સામે આવી છે. આરોપી શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને હત્યાના 5 દિવસ પહેલા જ તેની મૌલવી સાથે મુલાકાત થઇ હતી. અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.