યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડરને આપી ખુલ્લી ચેતવણી

January 18, 2020

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલ ખૈમેનીને કડક શબ્દોમાં સાવધાન રહેવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે ખૈમેનીને આ ચેતવણી અમેરિકા અને યૂરોપના દેશો પર કરવામાં આવેલી આકરી ટિપ્પણીને લઈને આપી છે.

ટ્રમ્પે ટ્વિટ કરીને ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, ઈરાનના તથાકથિત સુપ્રીમ લીડરે યૂરોપ અને અમેરિકાને લઈને ખુબ ઉતરતી કક્ષાની વાત કરી છે. તેમની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ રહી છે અને તેમના લોકો પીડિત છે. આ સ્થિતિમાં તેમણે પોતાના શબ્દોને લઈને સાવધાનીપૂર્વક વર્તવુ જોઈએ. ટ્રમ્પના જણાવ્યા રમાણે ખૈમેનીએ પોતાના ભડકાઉ ભાષણમાં અમેરિકાને ચતુર અને યૂરોપના બ્રિટન, ફ્રાંસ અને જર્મની જેવા દેશોને અમેરિકાના નોકર ગણાવ્યા હતાં, જે તદ્દન વાહિયાત બાબત છે.

ટ્રમ્પે આ નિવેદન પર પલટવાર કરતા ઈરાનના નેતા પર આકરા પ્રહારો કર્યા હતાં. ટ્રમ્પે એક અન્ય ટ્વિટ કરીને ઈરાનના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, ઈરાનના એ લોકો, જે અમેરિકાને પ્રેમ કરે છે, એક એવી સરકાર ઈચ્છે છે, જે તેમને મારવાના બદલે તેમના સપનાઓને સાકાર કરવામાં રસ દાખવતી હોય. તેમણે પોતાના ટ્વિટમાં ઈરાનના નેતાઓને અપીલ કરી હતી કે તેમણે પોતાના દેશને બરબાદી તરફ લઈ જવાના બદલે આતંકનો ત્યાગ કરવો જોઈએ અને ઈરાનને ફરી એકવાર મહાન બનાવવુ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગત 17 જાન્યુઆરીએ ઈરાનના સુપ્રીમ લીડર ખૈમેનીએ ટ્વિટ કરીને ફ્રાંસ, જર્મની અને બ્રિટન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે લખ્યું હ્તું કે- ઈરાનના મુદ્દાને સુરક્ષા પરિષદમાં લઈ જવાની ફ્રાંસ, જર્મની અને ‘ચતુર’ બ્રિટિશ સરકારોની ધમકીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તે અમેરિકાના નોકર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ત્રણેય દેશોએ સદ્દામને અમારા વિરૂદ્ધ યુદ્ધમાં શક્ય તેટલી તમમા મદદ કરી હતી.