રાજ્યમાં શિક્ષણકાર્ય થશે શરૂ, CBSE સાથે સંકળાયેલી સ્કૂલોએ લીધો અલગ નિર્ણય

January 10, 2021

ગુજરાતમાં કોરોના મહામારીનો આંકડો સતત ઘટી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આવતીકાલે (11 જાન્યુઆરી 2021)થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે.
11મી જાન્યુઆરીને સોમવારથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ.10 અને 12નું ફિઝિકલ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી સ્કૂલોમાં 11મીએ નહી પણ 18મી જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય શરૂ થશે. અમદાવાદની CBSE સ્કૂલોના મેનેજમેન્ટ અને આચાર્યોની શુક્રવારે એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગની સ્કૂલો 18મીથી ફિઝિકલ શિક્ષણ શરૂ કરવાના મૂડમાં હતી.
જોકે શાળાએ જવા માટે વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. અમદાવાદ શહેરની વિવિધ સ્કૂલોમાં શનિવારથી જ શાળાઓને સેનેટાઈઝેશન સહિતની કામગીરી શરૂ થઈ ચુકી છે.
શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા મંત્રીઓને જિલ્લા ફાળવાયા છે. જેઓ પોતાને ફાળવેલા જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહિત કરશે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારની શાળા-કોલેજો શરૂ કરવામાં નહીં આવે તેમજ આ વિસ્તારના રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ સ્કૂલ-કોલેજ હાજર રહી શકશે નહીં. આ સિવાય વિદ્યાર્થી અને વિષયની ગોઠવણી કરવાની જવાબદારી સ્કૂલ-કોલેજના આચાર્યને સોંપવામાં આવી છે.