વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં પરાજય આપી ઇંગ્લેન્ડે ૨-૧થી શ્રેણી જીતી

July 28, 2020

માન્ચેસ્ટરઃ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બનેલા પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડે મેચમાં ઝડપેલી ૧૦ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટના છેલ્લા દિવસે વેસ્ટ ઇન્ડિઝને ૨૬૯ રનથી હરાવીને શ્રેણીને ૨-૧થી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ સાથે ઘરઆંગણે છેલ્લા છ વર્ષમાં એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. આ ગાળામાં ઇંગ્લેન્ડે ૧૨માંથી આઠ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે અને ચાર ડ્રો થઇ હતી. છેલ્લે ઇંગ્લેન્ડને શ્રીલંકાએ ૨૦૧૪ના જૂનમાં ૧-૦થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૬૯ રન બનાવ્યા હતા. વિન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ ૧૯૭ રનમાં સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડે બીજો દાવ બે વિકેટે ૨૨૬ રનના સ્કોરે ડિકલેર કરીને પ્રવાસી ટીમને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૧૨૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ક્રિસ વોકિસે વિન્ડીઝના બીજા દાવમાં ૫૦ રનમાં પાંચ વિકેટ ઝડપીને વિજયમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ૧૯૧૨ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડના પેસ બોલર્સે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ વખત ૫૦ વિકેટ ઝડપી હતી. આ શ્રેણીમાં કુલ ૧૯ ખેલાડીઓ એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા જે પણ ત્રણ મેચની શ્રેણીનો બીજો હાઇએસ્ટ આંકડો છે.