તાઈવાનમાં ભીષણ આગ:13 માળની ઈમારતમાં આગ લાગવાથી 46ના મૃત્યુ, લગભગ 79 દાઝ્યા; 14ની સ્થિતિ ગંભીર

October 14, 2021

તાઈવાનના કાઉશુંગ શહેરમાં ગુરુવારે 13 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે 46 લોકોના મૃત્યુ થયા અને 79 લોકો દાઝી ગયા છે. ફાયર વિભાગે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, આ પૈકીના 14ની સ્થિતિ ગંભીર છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ખૂબ જ ભીષણ હતી અને ઈમારતના ઘણા માળ આગ લાગવાના પગલે ખાખ થઈ ગયા છે. અધિકારીએ જણાવ્યું કે આગ સવારે લગભગ ત્રણ વાગે લાગી હતી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે તેમને સવારે લગભગ ત્રણ વાગ્યે અવાજ સંભળાયો હતો.

અધિકારીઓએ પહેલા ચેતવણી આપી હતી કે સાતમા અને 11માં માળમાં લોકો ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ તો ઈમારતને સંપૂર્ણ રીતે ખાલી કરાવી લેવામાં આવી છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યાં છે. વીડિયોમાં ઈમારતની નીચના માળમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાણીનો છંટકાવ રોડ પરથી કરતા દેખાઈ રહ્યાં છે.