દિલ્હી હિંસામાં વધુ ચારનાં મોત, મૃત્યુઆંક 42, સવાસો સામે FIR, 630ની અટકાયત

February 29, 2020

નવી દિલ્હી : દિલ્હીની હિંસામાં વધુ ચાર લોકોનાં મોત થયા હતા. મૃત્યુ આંકનો કુલ આંકડો 42 થયો હતો. હિંસાના આરોપમાં પોલીસે 123 આરોપીઓ સામે એફઆઈઆર નોંધી છે. 630ની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. હિંસામાં લગભગ 250 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

દિલ્હીના તોફાનોમાં વધુ ચારનો ભોગ લેવાયો હતો. કુલ 42 લોકો દિલ્હી હિંસામાં મૃત્યુ પામ્યા છે. 250 લોકોને ઈજા થઈ છે. દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં આૃર્ધલશ્કરી દળના 7000 જવાનો તૈનાત કરાયા છે. તે સિવાય પોલીસના હજારો જવાનો પહેરો ભરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 123 આરોપીઓ સામે એફઆઈઆર નોંધી છે. 630ની અટકાયત કરવામાં આવી હોવાનું દિલ્હી પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું.

દિલ્હીની કોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા ઈશરત જહાઁની જામીન અરજી નામંજૂર કરી છે. દિલ્હીના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સેલરની હિંસા ભડકાવવાના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી પોલીસને આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના બધા જ કેન્દ્રોમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાય તે માટે દિલ્હી પોલીસ અને દિલ્હીની સરકાર યોગ્ય વ્યવસૃથા કરે.  આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટને આગામી ચોથી માર્ચે અહેવાલ આપવાનો રહેશે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે પાંચ સભ્યોની ટીમ બનાવી છે.

નોર્થ-ઈસ્ટ દિલ્હીના હિંસાની ચપેટમાં આવેલા વિસ્તારોમાં જઈને આ પાંચ સભ્યોની સમિતિ અહેવાલ તૈયાર કરશે અને કોંગ્રેસ અધ્યક્ષને આપશે. પાંચ સભ્યોની કોંગ્રેસની સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, કુમારી શૈલજા, તારિક અન્વર અને સુષ્મિતા દેવની પસંદગી થઈ હતી.