નાગપુરની હોસ્પિટલમાંથી કોરોનાના ચાર સંદિગ્ધ દરદીઓ નાસી છૂટયા

March 15, 2020

મુંબઇ : નાગપુરની મેયો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ચાર શંકાસ્પદ દરદીઓ નાસી છૂટતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો  હતો. આજે સવારે આ ઘટના ધ્યાનમાં આવતા સ્થાનિક પોલીસ અને મેયો હોસ્પિટલમાં અફરાતફરી મળી હતી.

મળેલી માહિતી પ્રમાણે એક સ્વતંત્ર વોર્ડમાં આ શંકાસ્પદ દરદીઓને મૂકાયા  હતા. આજે સવારે આ વોર્ડમાં કોરોનાગ્રસ્ત દરદીઓ હોવાની અફવા પ્રસરી હતી તેથી દરદીઓ ગભરાઈ ગયા હતા અને ત્યાર બાદ લાગ જોઈને તેઓ એક પછી એક હોસ્પિટલમાંથી નાસી છૂટયા હતા. મેયો પ્રશાસનના ધ્યાનમાં આ વાત આવતા તેમણે તાબડતોબ પોલીસનો સંપર્ક કર્યો હતો અને દરદીના પરિવારજનોને પણ આ ઘટનાની  માહિતી આપી હતી.

આ ચારેય દરદીઓ તેમના ઘરે હોવાની માહિતી મળતા જ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચારમાંથી ત્રણ દરદીઓ નાગુપરના છે તો એક ચંદ્રપુરનો છે. આ ચારેય દરદીઓને ફરીથી હોસ્પિટલમાં લઈ અવાશે એવી માહિતી હોસ્પિટલે આપી હતી.