ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક શખ્સે જાહેરમાં તમાચો ઠોકી દીધો, બે લોકોની ધરપકડ

June 09, 2021

અમદાવાદ  : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને દક્ષિણ-પૂર્વી ફ્રાંસની યાત્રા દરમિયાન એક શખ્સે તમાચો ઠોકી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મેક્રોં જ્યારે લોકોનું અભિવાદન ઝીલવા રેલિંગ નજીક પહોંચે છે, ત્યારે એક ગ્રીન જેવું ટીશર્ટ પહેરેલા એક શખ્સે મેક્રોનનો હાથ પકડીને સટાક કરતો તમાચો મારી દે છે. રાષ્ટ્રપતિને લાફો પડતાં જ તરત જ તેમની સિક્યોરિટીમાં હાજર લોકો આવી પહોંચે છે અને મેક્રોનને દૂર સલામત સ્થળે લઈ જાય છે. જ્યારે ફડાકો મારનાર શખ્સને પકડે છે. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ, આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હજુ કેટલાંક લોકોની ધરપકડ થઈ શકે છે.

જેવો જ રાષ્ટ્રપતિ પર હુમલો થયો તે સાથે જ ત્યાં હાજર સિક્યોરિટી એજન્ટ્સે તાત્કાલિક તે વ્યક્તિને દબોચી લીધો અને જમીન પર પછાડી દીધો. મેક્રોનને દૂર લઈ ગયા. કેટલાંક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે મેક્રોનને થપ્પડ નથી લાગી.

ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મેક્રોન ભીડ પાસેથી પસાર થઈ રહ્યાં છે. તેમની અને લોકોની વચ્ચે બેરિકેડ છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. મેક્રોન જેવા જ તેમની નજીક જાય છે, તે વ્યક્તિ તેમને થપ્પડ મારી દે છે. મેક્રોનના સિક્યોરિટી એજન્ટ્સ તેને પકડી લે છે. જાણકારી મુજબ હુમલાખોર 'અમે મેક્રોનથી પરેશાન છીએ' તેવા કંઈક નારા કરતા હતા.

વડાપ્રધાન જીન કાસ્ટેક્સે ઘટના બાદ તાત્કાલિક નેશનલ એસેમ્બલીમાં આ ઘટનાની જાણકારી આપી. તેઓએ કહ્યું- લોકતંત્રનો અર્થ છે વાતચીત અને ચર્ચા. કોઈ પણ મામલામાં હિંસાનું સમર્થન ન કરી શકાય. વિપક્ષના નેતા જીનલુક મેલ્કને કહ્યું- અમે આપણાં રાષ્ટ્રપતિની સાથે ઊભા છીએ. રાષ્ટ્રપતિની મુલાકાતના થોડાં દિવસ પહેલાં જ આ વિસ્તારમાં 7 મહિના પછી બાર અને રેસ્ટોરાં ખોલ્યા છે. નાઈટ કફર્યૂ પણ ખતમ કરી દેવાયું છે.