અમદાવાદના આ એક તાલુકામાં સંપૂર્ણ લોકડાઉન, જાણો કેટલા દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે?

May 03, 2021

અમદાવાદ : કોરોનાનું સંક્રમણ હવે શહેરો બાદ ગામડાઓમાં વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે, ત્યારે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓના ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના સાણંદમાં વેપારી એસોસિએશનની એક મીટિંગ મળી હતી, આ મિટીંગમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉન લગાવવા બાબતે ચર્ચા થઈ હતી. હાલ સમાચાર મળી રહ્યા છે કે સાણંદમાં એસોસિએશને દુકાનો સંદતર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે વેપારી સંગઠને સ્વૈચ્છિક લોકડાઉન અંગે નિર્ણય લીધો છે. સાણંદના તમામ બજારો, તમામ દુકાનો, તમામ નાના મોટા વેપારી એકમો 3મેથી 10 મે સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમલ ફરજિયાત કરવાનો રહેશે. આ નિર્ણયના અમલ માટે વેપારી સંગઠન અને શહેરની નગરપાલિકા કાર્યરત રહેશે.

સાણંદના વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે, દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે, જ્યારે શાકભાજી માર્કેટ સવારના પાંચથી 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. જે દરમિયાન કોરોના નિયમોનું પાલન ફરજિયાત પણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ માટે વેપારી સંગઠનો પોલીસની મદદ લેતા પેટ્રોલિંગની અપીલ કરી હતી.