ટોરોન્ટોમાં વેસ્ટ્રન રોડ ઉપર ગોળીબારની ઘટના, 37વર્ષના યુવાનનું મોત

January 08, 2022

  • સ્થળ પરના સીસીટીવી ફુટેજને આધારે ગુનેગારોનું પગેરુ શોધવા પોલીસની કવાયત

ટોરોન્ટોઃ ગત રવિવારે સાંજે એક 37 વર્ષીય યુવક  ગોળીબારથી ઘાયલ થયેલી અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટના વેસ્ટ્રન રોડ અને હાઇવે નં.401 ખાતે સાંજે 5.51 વાગ્યે બની હતી. ઘટના બાદ ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પોલીસને ગોળીથી ઘાયલ એક યુવક મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું ગોળી લાગવાને કારણે મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી અત્યંત ગંભીર હાલતમાં એક યુવક પડ્યો છે એવા અહેવાલ પોલીસને મળ્યા હતા અને એ માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આ યુવક કણસી રહ્યો હતો. તેની ઓળખ ટોરોન્ટોના રહેવાસી એરીયો ફેકોમી તરીકે થઇ છે. ટોરોન્ટોમાં બનેલી આ ઘટના વર્ષ 2022માં બનેલી હત્યાની આ પહેલી ઘટના છે. આ ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિ વિષે કોઈ માહિતી મળી નથી. પોલીસ આ કેસમાં સામેલ ગુનેગારોને શોધી રહી છે.
પોલીસે લોકોને અપીલ કરી રહી છે કે, વેસ્ટ્રન રોડ અને હાઇવે નં.401 તથા રવિવારના દિવસે જેમ્સ સ્ટ્રીટ ખાતે બનેલી આ ઘટના વિષે જે લોકો પાસે માહિતી હોય તો તેઓ પોલીસનો સંપર્ક સાધે. પોલીસ અધિકારીઓની ટીમે રવિવારે સાંજે 5.15 કલાકથી 6.15 કલાક વચ્ચેના સીસી ટીવી ફૂટેજ મેળવીને તપાસ આદરી છે.