ગુગલના CEOસુંદર પિચાઈ વિરુદ્ધ મુંબઈમાં કેસ દાખલ, કોપીરાઇટ ઉલ્લંઘનનો આરોપ

January 26, 2022

મુંબઈઃ ગુગલના સીઈઓ અને મુળ ભારતીય સુંદર પિચાઈ સામે કોપીરાઇટ ઉલ્લંઘન બદલ આરોપ મુકાયો છે. ત્યારબાદ બુધવારે મુંબઈ પોલીસે સુંદર પિચાઈ વિરુદ્ધ આ મામલામાં કેસ દાખલ કરી લીધો છે. સુંદર પિચાઈ સિવાય ગૂગલના પાંચ અન્ય અધિકારીઓ પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોર્ટના નિર્દેશ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના પાંચ અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને આરોપ લગાવ્યો હતો કે ગૂગલે ગેરકાયદેસર વ્યક્તિને મંજૂરી આપી હતી કે તે તેની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'ને યૂટ્યૂબ પર અપલોડ કરે. હવે આ મામલામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 


ફરિયાદીનું કહેવું છે કે ગૂગલના આ પગલાને કારણે તે લોકોએ કરોડો રૂપિયાની કમાણી કરી અને તેને (ફિલ્મમેકરને) કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદીની ફરિયાદના આધાર પર સુંદર પિચાઈ સિવાય ગૌતમ આનંદ (યૂટ્યૂબના એમડી) સહિત બીજા ગૂગલના અધિકારીઓ વિરુદ્ધ કોપીરાઇટની કલમ 51, 63 અને 69 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


આ પહેલાં મંગળવારે સરકાર તરફથી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સન્માન આપવાની જાહેરાતના એક દિવસ બાદ પિચાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુંદર પિચાઈ 2014માં ગૂગલના હેડ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં તેમને ગૂગલની સાથે આલ્ફાબેટના સીઈઓ બનાવી દેવામાં આવ્યા હતા.