ગુજરાતની દવા કંપનીને કોરોના વેક્સીનને બનાવવા માનવ પરીક્ષણની મંજૂરી મળી

July 04, 2020

ગાંધીનગર: ગુજરાતની જાણીતી દવા ઉત્પાદક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાઈરસની રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ફાર્મા સ્યૂટીકલ કંપની દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમા આ કંપની સિવાય પણ અન્ય દવા કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.


ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસ સામે લડવા રસી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે અને આ રસીની શોધ વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ થઈ રહી છે. હૈદરાબાદની એક કંપની સિવાય ગુજરાતની જાણીતી ફાર્મા દ્વારા પણ તૈયાર કરવામાં આવેલી રસીના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તૈયાર થયેલી આ રસીનુ શરૂઆતી સંશોધન થઈ ચૂક્યું છે અને હવે રસીની માણસો પર અસર માટે મંજૂરી આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, માનવ પરીક્ષણ માટે સરકાર તરફથી ફાર્મા કંપનીઓને પરમિશન મળી ચુકી છે, ત્યારે એવો આશાવાદ વ્યક્ત કરવમાં આવી રહ્યો છે કે વર્ષના અંત સુધીમાં દેશમાં બનેલી રસી બજારમાં પણ ઉપલબ્ધ હશે.