નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે અપમાનજનક નિવેદનો બદલ એચડી દેવે ગૌડાને કોર્ટે બે કરોડનો દંડ ફટકાર્યો

June 22, 2021

બેંગ્લુરૂ- કર્ણાટકમાં બેંગ્લોરની એક કોર્ટે પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવે ગૌડાને 10 વર્ષ પહેલા એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝ (NICE) સામે અપમાનજનક નિવેદનો આપવા માટે કંપનીને 2 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાના નિર્દેશ આપ્યો છે. આઠમાં સિવિલ અને સેશન્સ જજ મલ્લનગૌડાએ NICE દ્વારા દાખલ કરેલા દાવા પર આ નિર્દેશ આપ્યો છે. કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર અશોક ખેની છે, જે દક્ષિણ બિડરનાં પૂર્વ ધારાસભ્ય છે.


એક કન્નડ ન્યૂઝ ચેનલ પર 28 જૂન, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતાં કોર્ટે અપમાનજનક ટિપ્પણીને લીધે કંપનીની પ્રતિષ્ઠાને લીધેલા નુકસાન માટે દેવેગૌડાને કંપનીને 2 કરોડ રૂપિયાનું નુકસાન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. જનતા દળ (સેક્યુલર) ના વડાએ  NICE પ્રોજેક્ટને નિશાન બનાવ્યો હતો, અને તેને 'લૂંટ' ગણાવી હતી. કોર્ટે કહ્યું કે જે પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા, તેને કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં સમર્થન આપ્યું છે.

કોર્ટે 17 જુનનાં પોતાના ચુકાદામાં કહ્યું કે કંપનીનો પ્રોજેક્ટ મોટો છે, અને કર્ણાટકનાં હિતમાં છે, કોર્ટે કહ્યું કે જો ભવિષ્યમાં આ પ્રકારનાં અપમાનજનક નિવેદનો આપવામાં આવે છે, તો ચોક્કસપણે કર્ણાટક રાજ્યનાં વ્યાપક જનહિતવાળા આ મોટા પ્રોજેક્ટનાં શુભારંભમાં મોડું થશે, કોર્ટે કહ્યું કે આ પ્રકારનાં નિવેદનો પર નિયંત્રણ લગાવવું જરૂરી છે.