હર્ડ ઇમ્યુનીટીથી ખતમ નહીં થાય કોરોના રોગચાળો, વેક્સિન અનિવાર્ય: બિલ ગેટ્સ

September 15, 2020

નવી દિલ્હી- માઇક્રોસોફ્ટના સ્થાપક અને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (બીએમજીએફ)નાં સહ અધ્યક્ષએ કહ્યું છે કે હર્ડ ઇમ્યુનીટી કોરોના રોગચાળાને સમાપ્ત કરી શકશે નહીં, તેને માટે રસી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ રસીમાં મોટો ભાગ ભજવશે, કેમ કે તેમાં ઓછા ખર્ચે સારી ગુણવત્તાની રસીઓનું મોટાપાયે ઉત્પાદન કરવાની ક્ષમતા છે. બિલ ગેટ્સે આ વાત હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇ મેઇલ ઇન્ટરવ્યુમાં કહી હતી.


શું રસી વાયરસથી કાયમી ધોરણે સુરક્ષિત રાખી શકશે? જવાબમાં, બિલ ગેટ્સે કહ્યું કે આવું અનુમાન કરવું ખૂબ જ વહેલું  ગણાશે. આ સમયે આપણી પાસે એન્ટિબોડીની અવધિ અને ટી સેલ પ્રતિસાદ વિશે વધુ ડેટા નથી. રસીના ઘણા ઉમેદવારોનો ટેસ્ટ ચાલી રહ્યો છે અને તેઓ આવતા કેટલાક મહિનામાં થતી અસરો અંગે રિપોર્ટ કરશે. ત્યારે જ આવા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો મળશે. સારા સમાચાર એ છે કે ઘણી રસીનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે, અને દરેકનો અભિગમ અલગ છે. અસરકારક રસીનાં વિકાસની સારી સંભાવના છે.


વેક્સીન ઉત્પાદનમાં ભારતનું યોગદાનનો ઉલ્લેખ કરતા બિલ ગેટ્સએ કહ્યું કે ભારતીય ફાર્માસ્યુટીકલ અને વેક્સિન ઉત્પાદકોની ભુમિકા ખુબ મોટી હશે, કેમ કે તેનામાં મોટા પ્રમાણમાં ઉત્પાદનની ક્ષમતા છે, અને તે પણ ઓછી કિંમતમાં, સારી ગુણવત્તા સાથે, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા તેનું એક ઉદાહરણ છે, જ્યાં દુનિયાની કોઇ પણ કંપનીથી વધુ ઉત્પાદન થાય છે.