વાવાઝોડાથી ગીર સોમનાથ જિલ્‍લામાં ભારે ખાનાખરાબી, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા

May 18, 2021

રાજકોટ : તાઉ-તે વાવાઝોડાએ ગતરાત્રીના ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠાથી પ્રવેશ કર્યા બાદ ભારે ખાનાખરાબી સર્જી છે. તેની હકકીતો ઘીમે ઘીમે આજે સવારથી સામે આવી રહી છે. જિલ્લામાં જુદા-જુદા સ્‍થળોએ બે હજાર જેટલા વૃક્ષો ધરાશાયી, 721 વીજ પોલો ધરાશાયી થવાની સાથે 329 ગામોમાં અંધારપટ અને ઉના-કોડીનારના એક-એક પરીવારો ઇજાગ્રસ્‍ત બન્‍યા હોવાનું તંત્રના પ્રાથમીક અહેવાલમાં સામે આવ્‍યુ છે.

વાવાઝોડાએ ઉના શહેર અને પંથક ઉપરાંત કોડીનાર-ઉનાના દરીયાકાંઠાના ગામોમાં ભારે તબાહી સર્જી હોવાની દહેશતના એંધાણ સામે આવી રહ્યા છે. હાલ બપોરે 1 વાગ્‍યા સુધી ઉના શહેરમાં પ્રવેશવાના તમામ રસ્‍તાઓ પર વૃક્ષો-વીજપોલો ધરાશાયી થવાના લીધે બંધ છે.

જિલ્લાના ઉના પંથકના દરિયાકાંઠે તોક-તે વાવાઝોડુ ટકરાયા બાદ ફુંકાયેલા ભારે પવન અને સાથે વરસેલા અનરાઘાર વરસાદના પગલે ભારે ખાનાખરાબીની દહેશત વર્તાતી હતી. ખાસ કરીને ઉના શહેર અને પંથકના દરિયાકાંઠાના ગ્રામ્‍ય વિસ્‍તારો વાવાઝોડાથી ભારે પ્રભાવિત થયા છે. જયારે કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના પણ અનેક ગામોમાં અને જેટી બંદરોમાં પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વાવાઝોડાના ભારે પવન અને બાદમાં વરસેલા અનરાઘાર વરસાદના લીઘે ભારે ખાનાખરાબી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગતરાત્રી દરમ્‍યાન ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકામાં 100 થી 150 કીમી સુઘી ભારે પવન ફુંકાયો હતો. જેમાં ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકના ગામોમાં મોટી અસર સાથે નુકશાનીનો વર્તારો સામે આવી રહ્યો છે. આ ત્રણેય પંથકમાં સેકડો વૃક્ષો, વીજપોલો, હાઇમાસ્‍ટ લાઇટ ટાવર ઘરાશાયી થવા ઉપરાંત અને મકાનો-દુકાનોના છપરા ઉડી ગયા છે. જયારે ખેતીના પાકોને પણ મોટુ નુકસાન થવાની સાથે ગ્રામ્‍ય વિસ્‍તારને તાલુકા મથકે જોડતા રસ્‍તાઓ પર વૃક્ષો ઘરાશાયી થવાની બંઘ થઇ ગયા છે.