ઈન્દોરમાં 87 વર્ષના વૃદ્ધના શબને ઉંદરોએ કતરી નાખ્યું, એક લાખ જમા કરાવવામાં આવ્યા પછી બોડી સોંપવામાં આવી

September 21, 2020

ઈન્દોર : ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર વધુ એક હોસ્પિટલે સોમવારે માનવતાને નેવી મૂકી દીધી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલી યૂનીક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ થયેલા 87 વર્ષના વ્યક્તિનું રવિવારે રાતે મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે હોસ્પિલે શબને રાખવામાં બેદરકારી દાખવી છે. સમગ્ર બોડીને ઉંદરે કાતરી નાખી. પરિવારના સભ્યોને શબ ત્યારે સોંપવામાં આવ્યું, જ્યારે તેમણે એક લાખનું બિલ ચૂકવી દીધું. મામલો પ્રકાશમાં આવ્યા પછી કલેકટર મનીષ સિંહે મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપ્યા છે. તપાસ એડીએમ અજય દેવ શર્મા કરશે.

ઈતવારિયા બજારના રહેનાર નવીન ચંદ્ર જૈન(87 વર્ષ)ને શ્વાસ લેવામાં તકલીફ થવા પર 17 સપ્ટેમ્બરે યૂનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમની કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે રાતે લગભગ 3 વાગ્યે તેમના મોતના સમાચાર આપવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે નિગમની ગાડી તેમને અંતિમ સંસ્કાર માટે લઈને જશે. જ્યારે અમે બપોરે 12 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા તો શબને અલગ-અલગ જગ્યાએથી ઉંદરે કોતરેલું હતું. અમે જ્યારે મેનેજમેન્ટને આ અંગે વાત કરી તો તેમનું કહેવું હતું કે અમારાથી ભૂલ થઈ ગઈ.


પરિવારના સભ્ય પ્રાચી જૈનનું કહેવું છે કે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો એક લાખથી વધુ બિલ થયું હોવાનું કહેવામાં આવ્યું. બિલ જમા કરાવવામાં આવ્યા પછી શબ આપવામાં આવ્યું. શબને જોયા પછી તો અમારા હોશ ઉડી ગયા. ચેહરા અને પગમાં પણ ઈજાના નિશાન હતા. હોસ્પિટલના મેનેજમેન્ટે શબને કોઈ એવી જગ્યા મૂકી દીધું જ્યાં ઉંદરે તેને કતરી નાખ્યું. આંખે ગંભીર ઈજા થઈ હતી. આક્રોશિત પરિવારે શબને હોસ્પિટલની બહાર મૂકીને હલ્લો કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમજાવવાની કોશિશ કરી. જોકે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદાર આવ્યું ન હતું. જે પરિવારના સભ્યોને સમગ્ર માહિતી આપી શકે.