ગોગરા અને હોટસ્પ્રિંગમાંથી સેનાઓ પાછી ખેંચવા ભારત અને ચીન સહમત

February 22, 2021

નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતેથી સેનાઓ પાછી ખેંચવાના મામલે ભારત અને ચીનના સિનિયર મિલિટરી કમાન્ડરો વચ્ચે શનિવારે યોજાયેલી ૧૦મા રાઉન્ડની મંત્રણા ૧૬ કલાક ચાલી હતી. એલએસી પર ચીની વિસ્તારમાં આવેલા મોલ્દો બોર્ડર પોઇન્ટ ખાતે શનિવારે સવારે ૧૦ કલાકથી શરૂ થયેલી આ બેઠક રવિવારે વહેલી પરોઢે બે કલાકે પૂરી થઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૦મા રાઉન્ડની મંત્રણામાં પૂર્વ લદ્દાખના ગોગરા, હોટસ્પ્રિંગ, ડેપ્સાંગ અને ડેમચોક ખાતેથી બંને દેશની સેનાઓ પાછી ખેંચવાના મુદ્દે ચર્ચા કરાઇ હતી. જોકે સત્તાવાર રીતે આ મંત્રણાની કોઇ માહિતી જાહેર કરાઇ નથી.બેઠકમાં ભારતીય સેનાની ૧૪મી કોર્પ્સના કમાન્ડર લે.જનરલ પીજીકે મેનન અને ચીની સેનાના સાઉથ શિનજિયાંગ મિલિટરી ચીફ મેજર જનરલ લિઉ લિને ડેપ્સાંગ, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, ગોગરા અને ડેમચોકની સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષ તરફથી આ સ્થળોએથી સેનાઓ પાછી ખેંચવાની પ્રસ્તાવિત યોજનાઓ રજૂ કરી હતી. હવે આ પ્રસ્તાવો પર નવી દિલ્હી અને બેઇજિંગ ખાતે ચર્ચા થશે.
ભારતના મંત્રણાકારોએ ગોગરા, હોટસ્પ્રિંગ અને ડેમચોકમાંથી ઝડપથી સેના પાછી ખેંચી લેવા ચીનને જણાવ્યું છે. ભારતે ડેપ્સાંગમાં ભારતીય સેનાને પેટ્રોલિંગ કરતાં નહીં અટકાવવા પણ ચીનને જણાવ્યું છે.