ભારતીય લોકોમાં કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવામાં ઘણી વાર છે : કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી

September 27, 2020

- હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટનો સંદર્ભ આપ્યો
નવી દિલ્હી- દુનિયા આખી અત્યારે કોરોના વાયરસ સામે લડી રહી છે. કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે દુનિયાભરના દેશો કોરોના વેક્સિન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 80 ટકાથી વધારે પહોંચ્યો છે. તો સામે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને બીજી વખત પણ ચેપ લાગી રહ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ષધને કહ્યું છે કે ભારતમાં હર્ડ ઇન્યુનિટિ હજુ સુધી વિકસિત થઇ નથી અને હર્ડ ઇમ્યુનિટિ વિકસિત થવામાં હજુ ઘણી વાર લાગશે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટનો સંદર્ભ આપીને કહ્યું કે, ભારતના લોકો હર્ડ ઇમ્યુનિટિથી ઘણા દૂર છે. આપણે કોરોના વાયરસ પ્રત્યે બેદરકાર થવાને બદલે ગંભીરતાથી નનિયમોનું પાલન કરવું જોઇએ. તો લોકોને ફરીથી કોરોનાનો ચેપ લાગે છે તે અંગે તેમણે કહ્યું કે આઇસીએમઆર કોરોનાના બીજી વખતના ચેપ અંગે સંશોધન કરી રહ્યું છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે લોકો બીજી વખત કેમ ઇન્ફેક્ટેડ થઇ રહ્યા છે?
આગળ તેમણે કહ્યું કે પ્લાઝમા અને રેમેડિસવિર થેરેપીને પ્રોત્સાહન આપવાનું નથી. સરકારે તેના માટે ગાઇડલાઇન પણ જાહેર કરી છે. આ સિવાય ખાનગી હોસ્પિટલોને પણ આ થેરેપીનો નિયમિત ઉપયોગ ના કરાવા માટે કહેવામાં આવ્યું છે. હર્ડ ઇમ્યુનિટિ એવી પ્રક્રિયા છે જેમાં લોકોની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઇ જાય છે.