IPL મેગા-ઓક્શન પહેલા એક્શન:કેપ્ટન સંજુ સેમસનને રાજસ્થાન રિટેન કરશે, રાહુલ-રૈના લખનઉ સાથે જોડાઈ શકે

November 26, 2021

રાજસ્થાન રોયલ્સ સાથે સંજુ સેમસનની સફર યથાવત રહેશે. બીજી બાજુ કેએલ રાહુલ પંજાબ કિંગ્સ સાથે છેડો ફાડી લખનઉમાં જોડાઈ શકે છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો અનુસાર, સંજુ સેમસનને ફ્રેન્ચાઇઝી દ્વારા તૈયાર કરાયેલી રિટેન્શન યાદીમાં ટોપ પર રાખવામાં આવ્યો છે. વળી સંજુ પણ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળવા રાજી થઈ ગયો છે. તેથી ફ્રેન્ચાઈઝીએ સંજુ સાથે 14 કરોડમાં કરાર સાઈન કર્યો છે. આની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ યુવા ખેલાડી સાથે ટીમ કોમ્બિનેશન બનાવે તેમ લાગી રહ્યું છે. જેથી સુરેશ રૈનાનું પત્તુ કપાય તેવી સંભાવના જણાઈ રહી છે. તો ચલો અત્યારે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીએ કેવા એક્શન લીધા તેના પર નજર ફેરવીએ....

વાસ્તવમાં સંજુ સેમસન 2018માં 8 કરોડ રૂપિયામાં રોયલ્સ સાથે જોડાયો હતો. IPLની 14મી સિઝનમાં પણ તેને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. જોકે, તે ટીમને પ્લે-ઓફમાં લઈ જઈ શક્યો નહોતો. તેમ છતાં, તેણે બેટિંદ દરમિયાન શાનદાર પ્રદર્શન દાખવીને 137ના સ્ટ્રાઈક રેટથી 484 રન કર્યા હતા. સંજૂ સિવાય રાજસ્થાન રોયલ્સ. જોસ બટલર અને બેન સ્ટોક્સને પણ રિટેન કરી શકે છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે કે.એલ.રાહુલે પંજાબ સાથે છેડો ફાડી અન્ય ટીમ સાથે જોડાવાનું મન બનાવી લીધું છે. તેવામાં કે.એલ.રાહુલ લખનઉ ટીમ સાથે જોડાઈ શકે છે. આ અંગે તેણે ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કા સાથે વાતચીત કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજીવ ગોયન્કાએ IPL ઈતિહાસની સૌથી મોંઘી ટીમ ખરીદી છે અને તેમા અઢળક રૂપિયા દાવ પર લગાવી સંજીવ બેસ્ટ ટીમ કોમ્બિનેશન બનાવી શકે છે.

સુરેશ રૈનાને પણ ચેન્નઈ સુપર કિંગ્સ રિટેન કરે એમ લાગતું નથી. અત્યારે ધોની એન્ડ કંપની યુવા ટીમ સાથે ચેન્નઈને વધુ મજબુત બનાવવા કાર્યરત છે. આવી સ્થિતિમાં મીડિયાના અહેવાલો પ્રમાણે સુરેશ રૈના પણ લખનઉ સાથે જોડાઈ શકે છે.