જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદીને સૌથી શાનદાર ગણાવી

July 04, 2022

લંડન: ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચ પર ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી છે. મેચમાં રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ રમી. તેણે શાનદાર ૧૯૪ બોલમાં ૧૦૪ રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ મોટું નિવદેન આપ્યું છે. તેણે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારવાથી બેટ્સમેન તરીકે તેની પ્રતિષ્ઠામાં જ વધારો નહીં થાય પરંતુ આ તેના કરિયરમાં આત્મવિશ્વાસ વધારવાનું પણ કામ કરશે.
રવિન્દ્ર જાડેજાની આ વિદેશમાં પહેલી સદી હતી. તેણે એજબેસ્ટનમાં ત્રીજા દિવસની રમત બાદ કહ્યું, હું ખુબ જ ખુશ છું કે હું ભારત બહાર સદી મારી અને તે પણ ઇંગ્લેન્ડમાં. એક ખેલાડી માટે આ મોટી વાત છે. જાડેજાએ કહ્યું કે, હું ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફટકારેલી આ સદીને આત્મવિશ્વાસ વધારવા તરીકે લઈશ.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું, ઇંગ્લેન્ડમાં તમારે તમારા શરીરની નજીક રમવું પડશે, કેમ કે જો તમે કવર ડ્રાઈવ અને સ્ક્વેર ડ્રાઈવ રમવાનો પ્રયત્ન કરશો તો તમારી વિકેટ પાછળ અને સ્લિપમાં જવાની તકો છે અને તમે આઉટ થઈ શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં ઘણો સુધારો થયો છે.
તેમણે કહ્યું- આથી મારું ધ્યાન ઓફ-સ્ટંપથી બહાર જતા બોલને છોડવાનું હતું. મેં વિચાર્યું કે તે બોલને હિટ કરીશ જે મારી નજીક હશે અને ભાગ્યશાળી રહ્યો કે જે પણ બોલ રમ્યો, તે મારી નજીક હતા. તમારે તમારા ઓફ સ્ટંપને જાણવાની જરૂર છે અને ઓફ સ્ટંપ બહાર જતા બોલને છોડવાના હોય છે.
તેણે કહ્યું- હું વિચારી રહ્યો હતો કે જો મને સારા બોલ મળે છે તો હું કંઈ નહીં કરી શકું, પરંતુ ઓછામાં ઓછું મારે ખરાબ શોટ રમવાનો પ્રયત્ન ન કરવો જોઇએ અને બાઉન્ડ્રી મારવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. જો બોલ મારી રેન્જમાં આવે છે તો જ હું તેને હિટ કરીશ.
સૌરાષ્ટ્રના આ ઓલરાઉન્ડરે કહ્યું કે, હું ટેગમાં વિશ્વાસ કરતો નથી. તેણે કહ્યું- હું મારી જાતને કોઈ ટેગ આપવા ઇચ્છતો નથી. ટીમની જે પણ જરૂરિયાત હશે, હું તે અનુસાર રમવાનો પ્રયત્ન કરીશ. એક ઓલરાઉન્ડર તરીકે એવી પણ સ્થિતિ આવે છે, જ્યારે તમારે રન મારવા પડે છે અને ટીમ માટે મેચ બચાવવા અથવા જીતવી પડે છે. તેણે કહ્યું- બોલિંગમાં તમારી પાસે વિકેટ લેવાની આશા રાખવામાં આવે છે. ટીમને જે પણ જરૂરિયાત હોય છે, હું તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું.