મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર હુમલો

March 14, 2020

ભોપાલ- મધ્યપ્રદેશમાં શુક્રવારે ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની હતી. સવારે મુખ્યપ્રધાન કમલનાથ રાજ્યપાલને મળ્યા હતા અને કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોને ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે તેમજ હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરીને હોર્સ ટ્રેડિંગ રોકવા અને ધારાસભ્યોને મુક્ત કરાવવા રાજ્યપાલને રજૂઆત કરી હતી.

બીજી તરફ તેમણે રાજ્યપાલનાં અભિભાષણ અને બજેટ રજૂ કરતી વખતે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા ફ્લોર ટેસ્ટ યોજવાની પણ રાજ્યપાલ સમક્ષ તૈયારી દર્શાવી હતી. ભાજપએ પણ કમલનાથ સામે મોરચો ખોલ્યો હતો અને ૧૬મીએ વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા ફ્લોર ટેસ્ટ યોજવા માગણી કરી હતી. ભાજપ નેતાઓએ કહ્યું હતું કે કલમનાથ સરકાર લઘુમતીમાં હોવાથી વિધાનસભામાં બજેટ રજૂ કરી શકે નહીં કે રાજ્યપાલનું અભિભાષણ યોજી શકે નહીં. આ પહેલા તેણે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવી પડે.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે શુક્રવારે સાંજે ભોપાલના કમલા પાર્કમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કાર પર પથ્થરમારો કરાયો હતો અને કારને ઘેરી લેવામાં આવી હતી અને કાળા ઝંડા દર્શાવવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં કોંગ્રેસીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો.