દિલ્હીની પરિસ્થિતિ કાબૂમાં ન આવતા લશ્કરને સોંપી દેવાની કેજરીવાલની વિનંતિ

February 26, 2020

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરવાનો છું કે દિલ્હી પોલીસ તોફાનો પર કાબુ મેળવવામાં સફળ થતી નથી, માટે હવે લશ્કરને બોલાવો.

છેલ્લાં ત્રણ દિવસથી પૂર્વોત્તર (ઇશાન) દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, ચાંદપુર, ખજૂરીખાસ વગેરે વિસ્તારોમાં દંગલ ફેલાયા છે. અત્યાર સુધીમાં 18 વ્યક્તિનાં મરણ થયાં હતાં અને 150થી વધુ લોકોને ઇજા થઇ હતી. 

બુધવારે સવારે કેજરીવાલે ટ્વીટ કરી હતી કે મંગળવારે આખી રાત હું લોકોની સાથે હતો. ભરપુર પ્રયાસો છતાં પોલીસ તોફાનો પર કાબુ મેળવી શકી નહોતી કે આમ આદમીના મનમાં એવો વિશ્વાસ પેદા કરી શકી નહોતી કે પોલીસ અમારી સુરક્ષા જાળવી રાખશે.

કેજરીવાલે ટ્વીટમાં વધુમાં લખ્યું કે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાડવાની અને લશ્કરને બોલાવવાની તાતી જરૂર છે એમ મને લાગે છે અને હું આ મુદ્દે અમિત શાહને પત્ર મોકલવાનો છું.