મંદિરમાં કિસિંગ સીન : નેટફ્લિક્સ સામે કેસ

November 24, 2020

ભોપાલ : ‘અ સ્યૂટેબલ બોય’ વેબ સિરીઝ મુદ્દે સર્જાયેલા વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં સોમવારે નેટફ્લિક્સના બે અધિકારીઓ સામે રીવામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી હોવાના આક્ષેપસર તેમની સામે પગલાં લેવામાં આવ્યાં છે. તે અરસામાં શિવરાજના પ્રધાન નરોત્તમ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે તેમને મંદિરમાં ચુંબનવાળું દૃશ્ય સ્વીકાર્ય નથી. તે સમય અને આજના સમય વચ્ચે અંતર છે. મિશ્રાએ જણાવ્યું કે વેબ સિરીઝ અ સ્યૂટેબલ બોયમાં કાંઇ જ સુટેબલ નથી. ફિલ્મમાં મંદિરની અંદર લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા વાંધાજનક દૃશ્યો શા માટે ફિલ્માવવા જોઇએ?

આ મુદ્દે ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં વેબ સિરીઝ અ સ્યૂટેબલ બોયના નિર્માતા-નિદેશક અને સંબંધિત ઓટીટી પ્લેટફોર્મ સામે કઇ કાનૂની કાર્યવાહી કરી શકાય તે મુદ્દે વિચારણા થશે. નરોત્તમ મિશ્રાના ટ્વિટર હેન્ડલ પર આ મુદ્દે જાણકારી આપવામાં આવી હતી. વેબ સિરીઝમાં વાંધાજનક દૃશ્યો બદલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના પ્રબંધન તંત્ર સાથે સંકળાયેલા મોનિકા શેરગીલ અને અંબિકા ખુરાના વિરુદ્ધ રીવામાં કલમ ૨૯૫ હેઠળ (ધાર્મિક ભાવનાને જાણીજોઇને ઠેસ પહોંચડવા બદલ) એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદી ગૌૈરવ તિવારીએ આપેલી અરજી અનુસંધાનમાં કેસ દાખલ થયો છે.