કોહલી: ક્રિકેટના ઈતિહાસમાં એક શ્રેષ્ઠ ટેસ્ટ કેપ્ટન
January 29, 2022

- વિવાદોમાં ઘેરાતા જતા કોહલીએ આખરે ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી
- 2015માં ભારતીય ટેસ્ટ ટીમના સુકાની બનેલા કોહલીના સાત વર્ષના કાર્યકાળમાં ભારત 68 ટેસ્ટમાંથી 40 ટેસ્ટ જીત્યુ, 17 હાર્યુ, વિદેશની ધરતી પર પણ ભારતને સફળતા મળી
આખરે વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટનપદેથી વિદાય લેવાનો નિર્ણય 2022ની શરૃઆતમાં જ લઈ લીધો. વિરાટ કોહલી આમ તો ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓ પૈકીનો એક છે. છેલ્લે છેલ્લે ભલે વિરાટ વિવાદોમાં ફસાયો અને તેની કેપ્ટન તરીકેની ક્ષમતા સામે સવાલો ઊઠવા માંડ્યા પણ એમ છતાં એ આંકડાની રીતે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે જ.
કોહલીની કેપ્ટન્સીમાં ભારત જેટલી ટેસ્ટ જીત્યું એટલી ટેસ્ટ બીજા કોઈ કેપ્ટને જીતાડી નથી. કોહલી ૨૦૧૫માં ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો અને તેના સાત વર્ષના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં ભારત કુલ ૬૮ ટેસ્ટ રમ્યું અને તેમાંથી ૪૦ ટેસ્ટ જીતી છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારત ૧૭ ટેસ્ટમાં ભારત હાર્યું હતું અને ૧૧ ટેસ્ટ ડ્રો થઈ હતી. કુલ મેચમાં કોહલી કેપ્ટન હતો એવી ટેસ્ટમાંથી ભારત લગભગ ૫૯ ટેસ્ટ જીત્યું છે. કોહલી પહેલાં ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ધોનીના સાત વર્ષના કાર્યકાળમાં ભારત ૬૦ ટેસ્ટ રમ્યું હતું અને તેમાંથી ૨૭ ટેસ્ટમાં ભારતની ટીમે વિજય મેળવ્યો હતો અને ૧૮ ટેસ્ટમાં હાર સહન કરવી પડી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ૧૫ ટેસ્ટ ડ્રો રહી હતી. કોહલીની ટેસ્ટમાં કેપ્ટન તરીકે જીતની ટકાવારી ૫૮.૮૨ ટકા છે. જ્યારે ધોનીની ટકાવારી ૪૫ છે.
કોહલીનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ જોતાં તેને દુનિયા સૌથી સફળ કેપ્ટન્સમાં પણ ગણવો પડે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જેની કેપ્ટન્સીમાં દેશની ટીમ ૪૦ કે વધુ ટેસ્ટ જીતી હોય એવો કોહલી માત્ર ચોથો કેપ્ટન છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે છે. સ્મિથે ૧૦૯ ટેસ્ટમાં આફ્રિકાનું સુકાન સંભાળ્યું હતું તેમાંથી ૫૩ ટેસ્ટમાં આફ્રિકા જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે ૭૭ ટેસ્ટમાં કેપ્ટન્સી કરી તેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૮ ટેસ્ટ જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના જ સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ૫૭ ટેસ્ટ રમ્યું તેમાંથી ૪૧ ટેસ્ટ જીત્યું હતુ. સ્ટીવ વો કેપ્ટન હતો તેમાંથી ૭૨ ટકા ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું એ જોતાં ગ્રીમ સ્મિથ અને રીકી પોન્ટિંગ કરતાં સ્ટીવ વો આગળ રહ્યો છે. કોહલી ૪૦ ટેસ્ટ મેચ જીતાડીને ચોથા નંબરે છે. કોહલીની કેપ્ટન તરીકે અન્ય સિદ્ધિઓ પણ છે. કોહલી વિદેશમાં પણ જોરદાર અને સફળ કેપ્ટન સાબિત થયો છે. કોહલીની કેપ્ટન્સીમાં દેશની ટીમ ૪૦ ટેસ્ટ જીતી અને તેમાંથી વિદેશની ધરતી ઉપર ૧૬ ટેસ્ટ તો જીતી છે. ભારતન કોઈ કેપ્ટને આવો રેકોર્ડ કર્યો નથી. કોહલીના નામે ઘરઆંગણે સૌથી વધુ ૨૪ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ તો છે જ પણ વિદેશમાં પણ સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તેના નામે બોલે છે.
એક સમયે વેસ્ટ ઈન્ડિઝમાં જીતવું સૌથી કપરું હતું પણ હવે વેસ્ટ ઈન્ડિઝનાં વળતાં પાણી છે તેથી તેને કોઈ ગણતરીમાં નથી લેતું, પણ સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવવું અઘરું છે. ‘એસઈએનએ’ દેશો તરીકે ઓળખાતા આ ચાર દેશોને ભારત છોડો પણ પાકિસ્તાન કે શ્રીલંકા જેવી ટીમો પણ તેમની ધરતી પર હરાવી શકતી નથી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે આ બધા દેશોની ટીમને તેમની જ ધરતી પર જ પછાડાટ ખવડાવી છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારત આ ચાર દેશોમાં ૨૩ ટેસ્ટ રમ્યું, તેમાંથી આઠ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો અને ૧૩ હાર્યું હતુ. જ્યારે ૨ ટેસ્ટ ડ્રો થઈ ગઈ હતી. એક કેલેન્ડર વર્ષમાં વિદેશની ભૂમિ પર એટલે કે, આ ચાર દેશની ધરતી પર ચાર ટેસ્ટ જીતવાની સિદ્ધિ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે બે વખત હાંસલ કરી હતી. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે ૨૦૨૧માં બ્રિસબેન, લોર્ડ્ઝ, ઓવલ અને સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ જીતી હતી. એ પહેલાં ૨૦૧૮માં ભારત જોહનીસબર્ગ, નોટિંગહામ, એડિલેડ અને મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ સિરીઝ જીતનારા પહેલા કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. જયારે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ જીતનારા સૌપ્રથમ એશિયન કેપ્ટન તરીકેનો રેકોર્ડ કરનારમાં કોહલીનું નામ છે. કોહલીએ ભારતને ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને અને પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચાડેલું. આ ફાઈનલમાં ભારત ન્યુ ઝીલેન્ડ સામે પછડાયુ હતુ.
કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ એ રીતે જબરદસ્ત છે. આથી તેને નિ:શંકપણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન ગણવો પડે. ભારતીય ક્રિકેટ ટીમને આ સ્તરે પહોંચાડનારા, આટલા બધા વિજયો અપાવનારા કોહલીએ આ રીતે હાર સાથે વિદાય લેવી પડે છે એ ખરેખર દુ:ખ ઘટના છે. આ નિર્ણય વિરાટ કોહલીએ પોતે લીધો છે કે પછી બોર્ડના કારભારીઓએ દબાણ લાવીને લેવડાવ્યો છે તે અંગે સંશયો સાથે તર્કવિતર્કો ચાલે છે. બોર્ડ સાથે તેને છેલ્લા કેટલાક સમયથી રકઝક ચાલ્યા કરતી હોવાની વાત જગજાહેર છે. વિરાટ થોડા સમય પહેલાં સુધી ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટાર મનાતો હતો અને તેને કોઈ હાથ પણ નહીં અડાડે એવું લાગતું હતું. પરંતુ કોહલીએ ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી ખસી જવાની જાહેરાત કરી એ સાથે જ કેટલાક ક્રિકેટરસીયાઓને આંચકો લાગ્યો છે.
વિરાટ ટી-૨૦ ટીમના કેપ્ટનપદેથી ખસી જવા માગતો હતો પણ વન ડે ટીમના કેપ્ટનપદેથી ખસવા નહોતો માગતો. બોર્ડના કારભારી કોહલીને તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે ચાલુ રાખવા માગતા હતા. પણ કોહલીએ તેમને અવગણીને ટી-૨૦ના કેપ્ટનપદેથી ખસી જવાની જાહેરાત કરી નાખી તેથી તે અણમાનીતો બની ગયો હતો. ભારતની ધરતી પર ટીમ ઈન્ડિયા શેર બની જાય છે તેથી વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન તરીકે વિદાય થવાની વિરાટની ઈચ્છા હતી પણ બોર્ડે તેની ઈચ્છા પર પાણી ફેરવી રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો. રોહિત ટી-૨૦ ટીમનો કેપ્ટન પહેલાં જ હતો. તેને વન ડે ટીમનો કેપ્ટન પણ બનાવી દેવાતાં કોહલી અને બોર્ડ વચ્ચેનો ખટરાગ ફરી સપાટી પર આવ્યો છે.
આ જ કારણે કોહલીએ ટેસ્ટ કેપ્ટનપદેથી ખસી જવાનો નિર્ણય કર્યો હોવાનું પણ શક્ય છે. જો કે બીજી બાજુ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી વિરાટ કોહલીએ ખસી જવાનો નિર્ણય કર્યાના એક દિવસ પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ તેને સૌથી શ્રેષ્ઠતમ કેપ્ટનમાંથી એક ગણાવીને રવિવારે કહ્યું હતું કે કેપ્ટનશિપ છોડવાનો તેનો વ્યક્તિગત નિર્ણય છે અને તેનું ક્રિકેટ સંસ્થા સન્માન કરે છે. બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે વિરાટ જેવો ક્રિકેટર યુગોમાં એકવાર જન્મે છે અને ભારતીય ક્રિકેટનું એ સૌભાગ્ય છે કે તેને તેના જેવો કેપ્ટન મળ્યો. તેણે ઝનૂન અને આક્રમક અંદાજમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી તેમજ દેશ અને વિદેશમાં ભારતની ઘણી યાદગાર જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હવે કોહલીના કિસ્સામાં કારણ ગમે તે હોય પણ તે વધારે ગૌરવપૂર્ણ રીતે વિદાયનો હકદાર હતો તેમાં શંકા નથી. ખેર, બોર્ડે કોહલીને ગૌરવભેર રીતે વિદાય ના કર્યો તેના કારણે એ વાસ્તવિકતા બદલાતી નથી. કોહલીએ કેપ્ટન તરીકે ઘણા વિવાદ પેદા કરેલા અને ઘણી વાર તેનું વર્તન આપણને પણ અકળામણ થાય એવું રહેતું હતુ. છતાંય તેણે દેશને સૌથી વધારે જીત અપાવી એ બાબતને બદલી શકાય નહીં.
Related Articles
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર...
May 30, 2023
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું...
May 30, 2023
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરા...
May 30, 2023
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાન...
May 30, 2023
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વ...
May 30, 2023
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પો...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023