સચિન કરતા કોહલી ચડિયાતોઃ પીટરસન

May 17, 2020

લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી કેવિન પીટરસને ભારતીય કેપ્ટન કોહલીના વખાણ કરતાં તેને સચિન તેંડુલકર કરતાં પણ ચડિયાતો ગણાવ્યો હતો. પીટરસને કહ્યું કે, કોહલીની સિદ્ધિના આંકડા માની ન શકાય તે હદે પ્રભાવશાળી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથની સરખામણી કોહલી સાથે થતી હોય છે, પણ હકીકતમાં તો સ્મિથ કોહલીની નજીક પણ પહોંચી શકે તેમ નથી. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર બાંગ્વા સાથેની મુલાકાતમાં પીટરસને ઊમેર્યું કે, કોહલીનો રેકોર્ડ જબરજસ્ત છે. તે અત્યંત પ્રભુત્વ સાથે રમે છે. સતત સારો દેખાવ કરવાના દબાણની વચ્ચે પણ તે ભારતને મેચો જીતાડતો રહે છે. મારા મતે આ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો સ્મિથ તો કોહલીની નજીક પણ આવી ન શકે. કોહલીને તેંડુલકર કરતાં પણ ચડિયાતો ગણાવતા પીટરસને કહ્યું કે, હું તો કોહલીને જ ચડિયાતો માનીશ. ખાસ કરીને રન ચેઝ કરવાના મામલે તો તે તેંડુલકર કરતાં આગળ છે. ચેઝિંગમાં તેની સરેરાશ ૮૦ જેટલી છે.