સુરતમાં વેવાઈ-વેવાણનું પ્રેમપ્રકરણ : વેવાણ બાદ વેવાઈ પોલીસ મથકે હાજર

January 28, 2020

સુરતમાં મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. ભાગી ગયેલુ આ યુગલ 10 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયું અને સંતાનોના ભવિષ્યને ધ્યાને રાખી પોતાના સબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકાનું નક્કી કર્યાનું નિવેદન નોંધાવ્યું હતું. લગ્ન અગાઉથી સબંધ અને કયા સંજોગોમાં ભાગ્યા એની વિગતો તેમણે પોલીસને જણાવી હતી.

સુરતમાં રહેતા વેવાઇ નવસારીના વિજલપોરમાં રહેતી વેવણ ભાગી જવાની ઘટના ચર્ચા અને રમૂજીનો વિષય બની હતી. આ અંગે સોશિયલ મીડીયામાં પણ ભારે ચર્ચાઓ ચાલી હતી. પોલીસ તપાસ દરમિયાન ઉજ્જૈનથી મળી આવેલ આ પ્રેમી પંખીડાઓએ કડોદરા અને ગેસ્ટ હાઇસમાંથી પકડાયેલા વેવાઈએ કડોદરા પોલીસ મથકે પોતાનુ નિવેદન આપ્યુ હતુ. જેમાં આ પ્રેમપ્રકરણની વાતો બહાર આવી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતાં વેવાઈ કે જેઓ ટેલરીંગનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. વેવાઈ 25 વર્ષ પહેલા પોતાના પિતા સાથે કતાર ગામ રહેતા હતા. ત્યારે ત્યાં રહેતા વેવાણ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને અવારનવાર તેઓ મળતા પણ હતા. ત્યારબાદ સમય જતા વેવાણના લગ્ન નવસારી ખાતે થઇ ગયા હતા.


બીજી તરફ વેવાઈ પણ લગ્ન કરી સંસાર માંડ્યો હતો. આ યુગલ પોત પોતાની ગૃહસ્થ જીંદગી જીવી રહ્યા હતા. આ દરમિયાન વેવાઈના મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં બન્ને ફરી મળ્યા હતા. હસી મજાકથી શરૂ થયેલી વાતોમાં જુના સંબંધો વાગોળાયા, પ્રેમ અને છાનપગતિયા તાજા થયા. મરજી વિરૃધ્ધના લગ્નના કારણે હૃદયના કોઇ ખૂણે ધરબાઇ ગયેલી લાગણીઓ પુનઃ જીવંત થઇ હતી. બંને ફરી એકબીજા સાથે પ્રેમગોષ્ઠી કરવા માંડ્યા હતાં.
સંજોગોવસાત વેવાઈના દીકરાના વેવાણની દીકરી સાથે સગાઇ કરી હતી. આ સંબંધ બાદ તેઓ ખુલીને મળવા, વાતો કરવા માંડ્યા હતાં. વેવાણના બદલાયેલા રંગઠંગ અંગે તેણીના પતિને શંકા ગઇ હતી. તેણીના જુના સંબંધોની માહિતી મળતાં મામલો સંગીન બન્યો હતો. વાત વણસે અને ઘર કંકાસ થાય એ પહેલા દિકરીની સગાઇ તોડી નાંખી વાત ઉપર પૂર્ણ વિરામ મૂકવાનું મૂનાસીબ માન્યું હતું.
જો કે વેવાણ આ વાત જાણી અને વેવાઈને જણાવી હતી. વરસો જુનો પ્રેમ, પુનઃજીવીત થયેલા સંબંધો આ રીતે તૂટે એ તેમને મંજુર ન હતુ. તેઓએ લોકલાજ, સમાજીક શેહશરમ, પારિવારિક સંબંધોની મર્યાદા નેવે મૂકી અને પોત પોતાના ઘરેથી ભાગી ગયા હતા. વેવાઈએ પોતાનુ બુલેટ લઇ નવસારી વેવાણને ત્યાં ગયા હતા. ત્યાંથી બન્ને બુલેટ પર કડોદરા આવ્યા હતાં. પાનના ગલ્લાવાળાને બુલેટ આપી તેઓ બસમાં બેસી દાહોદ થઇ ઉજ્જૈન અને ત્યાંથી રામદેવરા ગયા હતા. રામદેવરાથી તેઓ ફરી પાછા ઉજ્જૈન પહોંચ્યા અને ગેસ્ટ હાઇસમાં રોકાયા હતા. આ દરમિયાન તેમનું આ પગલુ સોશિયલ મિડિયામાં વાવાઝોડાની જેમ ફેલાઇ ગયુ હતું. જે અંગે વેવાઇએ કડોદરા પોલીસ મથકે પોતાનું નિવેદન આપ્યુ હતુ.
બીજી તરફ વેવાણે વિજલપોર પોલીસ મથકમાં હાજર કરાયા હતાં. જ્યાં તેણીએ પોતાનાં સંતાનની ચિંતા કરી વેવાઇ સાથે સમજૂતિ કરી પ્રેમ સંબંધ તોડ્યો હોવાની વાત કરી હતી. પોલીસ મથકે તેમનાં પતિને બોલાવવા પતિએ સમાજમાં ભારે બદનામી થઇ હોય પત્નીનો સ્વીકાર કરવા ઇન્કાર કર્યો હતો. એટલે વેવાણે તેના પિતાને જાણ કરી હતી અને વેવાણના પિતા સુરતથી પોતાની દીકરીને લેવા પહોંચ્યા હતા. વેવાણે પોલીસને એવું કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ. જોવા જેવી વાત તો એ છે કે, જાણે વેવાણ કોઈ સેલેબ્રિટી હોય એવી રીતે પોલીસ સ્ટેશન ખાતે વેવાણને જોવા ટોળું ભેગું થયું. 

-પરિવારની યાદ આવતા મિત્રને કોલ કર્યો હતો
નવસારીની વેવાણને ભગાવીને કતારગામનો વેવાઈ ફરાર થયાંના બે દિવસ પછી વેવાઈએ તેના મિત્રને કોલ કરીને કહ્યું હતું કે, એક પાર્સલ કુરિયરમાં મોકલ્યું છે, કાલે કુરિયરમાંથી ફોન આવશે. તેમાં હું કયાં છું તેનું એડ્રેસ છે. તેની અંદર મારી દીકરીની લગ્નની ગિફ્ટ છે. કુરિયરની રસીદનો ફોટો પાડીને વોટ્સએપ કરું છું. કુરિયરમાં મારા ઘરનું એડ્રેસ છે અને મોબાઇલ નંબર મિત્ર અને પુત્રનો આપ્યો છે. અત્યારે હું કોઈની સાથે વાત કરી શકું એમ નથી, મારે બહુ પ્રેશર છે. મારા ઘરે કોઈને તકલીફ તો નથી ને!’
જ્યારે મિત્રએ સુરેશને કહ્યું હતું કે, ગભરાતા નહીં, કંઈ પણ તકલીફ હોય તો બોલાવજો. તમે જ્યાં કહેશો ત્યાં આવી જઈશું, ખોટું પગલું ભરતા નહીં. મિત્રની સાથે સુરેશે તેની વેવાણ સાથે પણ વાત કરાવી હતી. જેમાં વેવાણને હવે ઘરેથી ભાગી ગયા પછી ઘરના સભ્યો યાદ આવી રહ્યા છે. તેણે સુરેશના મિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, નવસારીમાં મારા ઘરના શું સમાચાર છે? તેને (પતિ) એટેકની બીમારી છે. એવું પણ પૂછ્યું હતું. છેલ્લે વેવાણએ વોટ્સએપ કોલથી વાત કરવાની પણ વાત કરી હતી.