નેપાળી બેન્ક અને કંપનીઓ દ્વારા ચીન અને ઇરાનને કરોડો મોકલાયા

September 22, 2020

કાઠમંડુઃ ચીનના ઈશારે નાચી રહેલા નેપાળે પણ હવે અમેરિકાનો રોષ વહોરી લેવાનું દુઃસાહસ કર્યું છે. નેપાળે વિદેશોમાંથી મળેલા ૨૯ કરોડ ડૉલર બંને દેશોને મોકલીને તેમને ખુલ્લેઆમ મદદ કરી છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોથી બચાવવા નેપાળની બેન્કો અને કંપનીઓ દ્વારા ચીન તેમજ ઈરાનમાં હવાલા મારફતે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પત્રકારોનાં ગ્રૂપ દ્વારા નેપાળનાં આ દુઃસાહસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળયું કે, પ્રતિબંધોથી બચવા ચીન અને ઈરાન દ્વારા નેપાળની મદદ માગી હતી. ફિનસેન ફાઇલ્સમાં જણાવ્યા મુજબ ડિસેમ્બર ૨૦૦૬થી માર્ચ ૨૦૧૭ વચ્ચે નેપાળની ૯ બેન્કો અને ૧૦ કંપનીઓ તેમજ નેપાળીઓ દ્વારા સીમાપાર વેપારને નામે પૈસાની શકમંદ હેરાફેરી કરવામાં આવી હતી. નેપાળની બિઝનેસ સંસ્થાઓએ સોનાનાં આંતરરાષ્ટ્રીય દાણચોરી, પ્રાચીન વસ્તુઓ, બિટુમેન તેમજ સંદેશાવ્યવહાર સાધનોની દાણચોરી કરી હતી.  
કઈ કઈ બેન્કો સામેલ? : સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેન્ક, પ્રાઈમ કોમર્શિયલ બેન્ક, બેન્ક ઓફ કાઠમંડુ, એવરેસ્ટ બેન્ક, નેપાળ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક, મેગા બેન્ક, હિમાલિયન બેન્ક, નેપાળ બાંગ્લાદેશ બેન્ક. નેપાળની ૧૦ કંપનીઓ દ્વારા સીધી રીતે આ પૈસા મોકલવામાં આવ્યા હતા. ૧૧ વર્ષમાં બેન્કો તેમજ કંપનીઓએ ૨૯ કરોડ ડૉલરની જંગી રકમ ટ્રાન્સફર કરી હતી. આ કંપનીઓનો મુખ્ય બિઝનેસ પેટ્રોલિયમ પેદાશો જેવી કે બિટુમેન, એન્જિન ઓઈલનો હતો. આ કંપનીઓની દુબઈમાં ઓફિસો હતી.