સુરતમાં 20થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની મિત્રોની નજર સામે જ હત્યા, મૃતકના લગ્નની વાત ચાલતી હતી

January 15, 2022

સુરત : સુરતમાં પાંડેસરા વિજય સિનેમા નજીક ઉત્તરાયણની ઢળતી સાંજે 6-7 હુમલાખોરોએ યુવકને જાહેરમાં 20થી વધુ ઘા મારી પતાવી દીધો હતો. 5 મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં મોનુની હત્યા તેના જ મિત્રોની નજર સામે થઈ હોવાનું પિતાએ જણાવ્યું હતું. અગાઉ હુમલાખોરોએ આકાશ નામના યુવકને માર મારી મોપેડ સળગાવી દીધું હતું. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મોનુની લગ્નની વાત ચાલી રહી હતી.

બ્રિજપાલ સિંગ (મૃતક મોનુના પિતા)એ જણાવ્યું હતું કે મોનુ મિલમાં ઓપરેટર હતો. ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો. લગ્નની વાત ચાલી રહી હતી ને ઉત્તરાયણની ઢળતી સાંજે દીકરાને પતાવી દીધો હોવાની જાણ થઈ, જાણે એક પલ માટે હૃદય બેસી ગયું હતું.