ખાનગીકરણ તરફ આગળ વધતી મોદી સરકાર, સરકારી કંપનીઓનું લિસ્ટ તૈયાર કરી રહ્યું છે નીતિ આયોગ

October 26, 2020

નવી દિલ્હી : ખાનગીકરણની દિશમાં સરકાર ઝડપથી પગલાંઓ ભરી રહી છે. નીતિ આયોગ વધારે પબ્લિક સેક્ટર એન્ટપ્રાઈઝની ઓળખ કરી રહ્યું છે જેને સરકાર વેચશે કે પછી તેમાં વિનિવેશ કરશે. એક અંગ્રેજી અખબારનાં રિપોર્ટ અનુસાર સોમવારે નીતિ આયોગના અધિકારીઓની બેઠક થશે. આ બેઠકમાં સ્ટેટ ઓન્ડ કંપનીઓની ઓળખ કરવામાં આવશે. મતલબ કે એકદમ નવું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પહેલા લિસ્ટમાં 48 PSUમાં વિનિવેશને લઈ આયોગે પોતાના સૂચનો આપ્યા હતા. નીતિ આયોગે તમામ મંત્રાલયોને કહ્યું છે કે, તે પોતપોતાના વિભાગ હેઠળ આવનાર તે PSEની ઓળખ કરે જેમાં સરકાર સ્ટ્રેટેજિક સેલ કરી શકે છે. આ ડીલમાં માલિકીપણાનો હક અને કંટ્રોલ બંને ટ્રાન્સફર કરવામાં આવશે. મંત્રાલયનું કામ પોતાના વિભાગ હેઠળ આવનાર નોન સ્ટ્રેટેજિક કંપનીઓની ઓળખ કરવાનું છે કે જેથી સરકાર તેમાંથી વિનિવેશ કરી શકે.

સરકારની નાણાકીય હાલત ખરાબ
મોદી સરકાર નોન સ્ટ્રેટેજિક સેક્ટરને પૂરી રીતે નીકાળવા માગે છે. આ દિશામાં ખુબ જ તેજીથી કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને કારણે સરકારની નાણાકીય હાલત ખરાબ છે. તેવામાં તે આ પ્લાન પર જોરદાર રીતે આગળ વધી રહી છે. તેવામાં હવે નોન સ્ટ્રેટેજિક પબ્લિક સેક્ટર યુનિટની ઓળખાણ કરી રહી છે અને સરકાર તેના એસેટનું મુદ્રીકરણ કરવા માગે છે.

2.1 લાખ કરોડ વિનિવેશ એકત્ર કરવાનું લક્ષ્ય
ચાલુ વિત્ત વર્ષ માટે સરકારે વિનિવેશથી 2.1 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. સ્ટ્રેટેજિક સેલ માટે સરકાર 1.2 લાખ કરોડ એકત્ર કરવા માગે છે. આ ઉપરાંત પબ્લિક સેક્ટર બેન્ક્સ અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશનમાં વિનિવેશ મારફથે 90 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. નીતિ આયોગે પહેલાં તબક્કામાં 48 સરકારી કંપનીઓમાં વિનિવેશનો વિચાર આપ્યો હતો. તેમાં એર ઈન્ડિયા જેવી કંપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત NTPC, સિમેન્ટ કોર્પોરેશન, ભારત અર્થ અને સ્ટીલ ઓથોરિટીમાં સ્ટેક વેચવાનું પણ સૂચન આપ્યું હતું.