મુંબઇ: 46 વર્ષ બાદ ભયંકર વરસાદ, આંખોમાં આંસુ અને ભયના ઓથારની તસવીરો વાયરલ

August 06, 2020

મુંબઇ : મુંબઇમાં મૂશળધાર વરસાદે ફરી એકવખત કહેર વરસાવ્યો છે. છેલ્લાં બે દિવસથી ચાલી રહેલા વરસાદે  રોજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે પવન અને વરસાદના લીધે મુંબઇનું જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદથી જનજીવન પ્રભાવિત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી શકય તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું. તો મુંબઇની મસ્જીદ અને ભાયખલા સ્ટેશનની વચ્ચે બે લોકલ ટ્રેનો રેલવે ટ્રેક પર પાણી ભરાતા ફસાય ગઇ હતી. તમામ 55 પેસેન્જર્સને રેસ્કયૂ કરી બચાવી લેવાયા.

મુંબઇમાં નીચલા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. લોકોને ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાં સ્ટેશન સુધી આવવું પડ્યું. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા. આથી સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઇનની ટ્રેનોનું ઓપરેશન પ્રભાવિત થયું. ડ્યૂટી પર આવેલા હજારો લોકો ઓફિસમાં ફસાઇ ગયા હતા.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓની સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી. બીએમસી કમિશ્નર આઇએસ ચહલે વરસાદના લીધે ફસાયેલા લોકોને સુરક્ષિત રાખવા માટે બીએમસી સ્કૂલોને અસ્થાયી શેલ્ટર હોમ બનાવ્યા. ત્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી નીકાળેલા લોકોને રાખ્યા.

મુંબઇમાં છેલ્લાં બે દિવસથી ધોધમાર વરસાદમાંથી થોડીક રાહત મળી શકે છે. હવામાન વિભાગના મતે એક્ટિવ મોનસૂનના લીધે  મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરૂવારે વરસાદ ઘટવાની શકયતા છે.