મુંબઈ પોલીસે નાલાસોપારામાંથી 1400 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

August 05, 2022

મહારાષ્ટ્રની ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલ, વરલી યુનિટના સભ્યો દ્વારા મુંબઈમાંથી અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ કોભાંડનો પર્દાફાશ કરાયો છે. પાલઘર જિલ્લાના નાલાસોપારામાં એક દવા બનાવતી કંપનીના યુનિટમાં દરોડા પાડીને રૂ. 1400 કરોડની કિંમતનું મેફેડ્રોન નામનું 700 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

આ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 4 આરોપી મુંબઈનાં અને 1 વ્યક્તિ નાલાસોપારાની છે. પકડવામાં આવેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ યુનિટ દ્વારા પ્રતિબંધિત દવાનો ઉપયોગ કરાતો હોવાની માહિતી મળી હતી જ્યાં પ્રતિબંધિત દવા મેફેડ્રોનનું ઉત્પાદન કરાતું હોવાનું જણાયું હતું.

મેફેડ્રોનને 'મ્યાઉ મ્યાઉ' અથવા તો 'એમડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો સિન્થેટિક પાઉડર છે જે ઉત્તેજક હોય છે અને રાષ્ટ્રીય નોર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

આ અગાઉ 15 જુલાઈએ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂ. 362.5 કરોડનું હેરોઈન પકડવામાં આવ્યું હતું. આ જથ્થો એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સપ્લાય ચેનનો હિસ્સો હતો. માર્બલનાં કન્ટેનરમાં આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું.