મુંબઈ પહોંચતા પહેલા 50 કિમી દક્ષિણ તરફ ફંટાયુ નિસર્ગ વાવાઝોડું

June 03, 2020

મુંબઈ. કોરોના કેપિટલ બની ગયેલા મુંબઈના દક્ષિણ ભાગને સ્પર્શ કરવા સાથે ચક્રવાતી વાવાઝોડુ નિસર્ગ પસાર થઈ ગયું છે. મુંબઈના CCI નરીમાન પોઈન્ટ, કફ પરેડ, કાંદિવલી (પશ્ચિમ),નાગપાડા,ભાયખલા અને કાલાચોકી જેવા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવા જેવી કેટલીક ઘટના બની હતી. જોકે કોઈ મોટું નુકસાન થયુ નથી. બપોરથી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ મૂવમેન્ટ સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી છે.

કુલાબા સ્થિત હવામાન વિભાગના ઉપ સંચાલક કુષ્ણાનંદ હોસાલીકરે જણાવ્યું કે મુંબઈના સમુદ્ર કિનારે પહોંચતા પહેલા વાવાઝોડું 50 કિમી દક્ષિણ તરફ ફંટાઈ ગયુ હતું. તેને લીધે સદનસિબે મુંબઈને ચક્રવાતી વાવાઝોડાથી એટલું નુકસાન થયુ નથી કે જે અંગે અગાઉ આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. ભૌગોલિક સ્થિતિને લીધે અત્યાર સુધીમાં મુંબઈએ એક પણ ચક્રવાતી વાવાઝોડાનો સામનો કરવો પડ્યો નથી.

મુંબીના મેસોનેબ ઓબ્ઝર્વેશનના લાઈવ ડેટા પ્રમાણે દક્ષિણ મુંબીના કુલાબા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 71.85 મિમી વરસાદ થયો છે. છેલ્લા 12 કલાકમાં નરિમાન પોઇન્ટ, તારાપોરવાલા મત્સ્યાલય, ગ્રાન્ડ રોડ, નાયર હોસ્પિટલ પરિસર, હાજી અલી, વરલી, દાદર, વડાલા, કુર્લા, નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં 20 થી 40 મીમી વરસાદ થયો છે.