નીતૂ-અમિતના મુક્કાએ ભારતને અપાવ્યો 'ગોલ્ડ', મહિલા હોકી ટીમે 'બ્રોન્ઝ' જીત્યો

August 07, 2022

- નીતૂએ 48 કિગ્રા કેટેગરીમાં જ્યારે અમિતે 48-51 કિગ્રા કેટેગરીમાં ઈંગ્લેન્ડના સ્પર્ધકને હરાવ્યા

બર્મિંગહામ- કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલું જ છે અને આજે સ્પર્ધાનો 10મો દિવસ છે. આજ રોજ આશા પ્રમાણે જ નીતૂ ઘંઘાસે બોક્સિંગમાં ગોલ્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. ઉપરાંત અમિત પંઘલે પણ ભારતને બોક્સિંગમાં વધુ એક ગોલ્ડ અપાવ્યો છે. જ્યારે ક્લોક વિવાદ બાદ ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે. 


રવિવારના ફાઈનલ મુકાબલામાં નીતૂ ઘંઘાસે ઈંગ્લેન્ડના બોક્સરને માત આપી હતી. હરિયાણાની આ બોક્સરે 48 કિગ્રા કેટેગરીમાં આ વખતે ઈતિહાસ રચી દીધો છે. મેચમાં તમામ જજે નીતૂના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો હતો અને 5-0થી ગોલ્ડ મેડલ ભારતને મળ્યો હતો. 


મહિલા હોકી ટીમે પણ કમાલ કરી દીધો છે અને ન્યૂઝીલેન્ડ સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતને વિજય અપાવ્યો છે. ફુલ ટાઈમમાં આ મેચ 1-1થી ડ્રો થઈ હતી પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે કમાલ કરી દીધો. કેપ્ટન સવિતા પૂનિયાના જોરદાર સેવ અને સોનિકા નવનીતના ગોલના દમ પર ભારતે 2-1થી શૂટઆઉટ પણ જીતી લીધો હતો. મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.