UNમાં આતંકવાદ પર નેપાળે ભારતને આપ્યો સાથ, પાકિસ્તાનની આકરા શબ્દોમાં કરી ટીકા

September 27, 2020

કાઠમંડુ- ભારત અને નેપાળ વચ્ચે સરહદને લઇને તંગદીલી ચાલી રહી હોય, પરંતુ આતંકવાદ પર બંને એક સાથે છે. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કર્યો છે. આ દરમિયાન તેમણે આતંકવાદ અંગેનાં પાકિસ્તાનની વ્યૂહરચનાની ટીકા કરતા આતંકવાદ રોકવાનાં ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ અગાઉ ભારતે પણ પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા હતા. ત્યાર બાદ નેપાળનો યુએનમાં બોલવાનો વારો આવ્યો હતો.


નોંધપાત્ર વાત એ છે કે કોરોના રોગચાળાને લીધે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં તમામ દેશોના વક્તાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. ઓલીએ પણ તેમનાં વિચારો વ્યક્ત  કર્યા, ઓલીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે નેપાળ પડોશી દેશો અને વિશ્વના અન્ય તમામ દેશો સાથે સારા સંબંધો જાળવવા દેશનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ટકાવી રાખવા કટિબદ્ધ છે.


ઓલીએ સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભારતને સમર્થન આપ્યું અને તમામ દેશોની સામે પાકિસ્તાન પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા, આ સાથે નેપાળના વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરૂધ્ધ તેમના સહમતી વ્યક્ત કરી.
પીએમ ઓલીએ કહ્યું કે નેપાળ તમામ પ્રકારના આતંકની આકરી ટીકા કરે છે. તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દા પર તમામ દેશોએ સર્વસંમતિ પર પહોંચવું જોઈએ. તેમણે કહ્યું કે તે આતંકવાદને કોઈક સ્વરૂપમાં ટેકો આપનારા દેશોનો સખત વિરોધ કરે છે. દર વર્ષે સેંકડો નિર્દોષ લોકો આતંકી પ્રવૃતીઓના કારણે માર્યા જાય છે.
નેપાળ આ ઘૃણાસ્પદ અને અમાનવીય ઘટનાઓની કડક નિંદા કરે છે. નેપાળના આ નિવેદનથી ચીન અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ચીન સતત નેપાળને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. પાકિસ્તાન પણ નેપાળ સાથે નિકટતા વધારવા માંગે છે.