નિર્ભયાના દોષિતોને ૧ ફેબ્રુઆરીએ ફાંસી

January 18, 2020

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુકેશસિંહની દયા અરજી નકારી કાઢયા પછી ડિસેમ્બર ૨૦૧૨ના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચાર દોષિતોને ૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૬ કલાકે ફાંસી આપવા શુક્રવારે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટના જજ સતીશ કુમાર અરોરાએ નવેસરથી ડેથવોરંટ જારી કર્યાં હતાં.  આ અગાઉ જસ્ટિસ અરોરાએ દોષિતોને ૨૨મી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવા ડેથવોરંટ જારી કર્યાં હતાં. અધિક સેશન્સ જજ સતીશકુમાર અરોરા સમક્ષ સુનાવણી દરમિયાન દોષિતોના વકીલોએ જણાવ્યું હતું કે, હજુ દોષિતોની બે અપીલ ઉચ્ચ અદાલતો સમક્ષ પડતર છે. જોકે જજ અરોરાએ તેમની રજૂઆત ધ્યાનમાં ન લેતાં જણાવ્યું હતું કે, હું ૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૬ કલાકે ફાંસી આપવાના નવા ડેથવોરંટ જારી કરું છું.

 
આ પહેલાં તિહાર જેલના સત્તાવાળાઓ દ્વારા નવા ડેથવોરંટ જારી કરવાની માગ કરાઇ હતી. જજ અરોરાએ તિહાર જેલના અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ શુક્રવાર સાંજના ૪:૩૦ કલાક સુધીમાં અદાલતને જાણ કરે કે રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી નકારાઇ ચૂકી છે તેવી જાણ દોષિત મુકેશસિંહને કરાઇ છે કે કેમ? સરકારી વકીલ ઇરફાન અહમદે પણ અદાલતને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે મુકેશસિંહની દયાની અરજી નકારી કાઢી છે.

મુકેશસિંહની દયાની અરજી નકારાઇ ચૂકી છે પરંતુ હજુ બીજા ૩ દોષિતો વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ ખુલ્લો છે. તેમની ફાંસીની સજાના અમલ પહેલાં તેઓ ગમે ત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે મુકેશસિંહ અને વિનય શર્માની ક્યૂરેટિવ પિટિશન નકારી કાઢયા પછી મંગળવારે મુકેશસિંહે દયાની અરજી રજૂ કરી હતી. દિલ્હીના લે. ગવર્નરે દયાની અરજી નકારી કાઢવાની ભલામણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપી હતી. રાષ્ટ્રપતિએ ૧૨ જ કલાકમાં શુક્રવારે બપોર બાદ દયાની અરજી ફગાવી દીધી હતી.