હવે ગરબા રમવુ મોંઘુ પડશે, સરકારે પાસ પર લગાવ્યો 18 ટકા GST

August 02, 2022

વડોદરા :ગુજરાતીઓ ગરબા પાછળ ઘેલા છે. ગુજરાતીઓના શ્વાસમાં ગરબા ધબકે છે. એવો કોઈ પ્રસંગ નહિ હોય જ્યાં ગુજરાતીઓ ગરબે ઝૂમતા ન હોય. કોરોનાના બે વર્ષ બાદ આખરે લોકોને નવરાત્રિ ઉજવવાનો મોકો મળી રહ્યો છે, પરંતુ અત્યારથી ઉત્સાહનો રંગ ફિક્કો દેખાઈ રહ્યો છે. કારણ કે, 2022 માં નવરાત્રિ તો ઉજવાશે, પરંતુ ગરબાના પાસ પર GST લાગુ કરાયો. જેથી હવે ગરબા કરવુ મોંઘુ પડશે. 


રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે. અને ડેઈલી પાસ 499 થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય. ત્યારે ગરબા ખેલૈયાઓમાં ટિકિટ વધવાના સમાચારથી નિરાશા જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરાય છે. ત્યારે પાસના ભાવ વધવાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયા છે. એક તો બે વર્ષ બાદ તેઓને ગરબા આયોજનની તક મળી છે, તેમાં પણ જો ટિકિટના ભાવ વધુ હશે તો ખેલૈયાઓ પાસ ખરીદશે નહિ, જેથી તેમની આવક પર અસર પડશે. ત્યારે આયોજકો અને ખેલૈયાઓએ ગરબાના પાસ પરથી GST હટાવવા માંગણી કરી છે.

વડોદરામાં 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે. રાજકોટમાં 50,000થી વધારે ખૈલેયાઓ ગરબે ઘૂમે છે. અમદાવાદમાં 4થી 5 લાખ ખેલૈયોઓ ગરબે રમે છે. તો સુરતમાં પણ 1 લાખથી વધારે લોકો ગરબે ઝૂમે છે. આ તમામ લોકોને આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના વધુ રૂપિયા ચૂકવવા પડશે.