હવે શ્રીલંકાએ પણ ઉતાર્યું ચીન કાર્ડ

July 01, 2020

કોલંબો : લદ્દાખ ખાતે તણાવ વચ્ચે હવે શ્રીલંકાએ પણ ભારત વિરૂદ્ધ ચીન કાર્ડ ઉતાર્યું છે. શ્રીલંકન વડાપ્રધાન મહિંદા રાજપક્ષેની સરકારે દેશના અર્થતંત્રનો હવાલો આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોન લેવાની શરૂઆત કરી દીધી છે. નિષ્ણાંતોએ વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે અમેરિકા સાથેના અણબનાવ બાદ શ્રીલંકા ફરી એક વખત લોન માટે ચીનના શરણે જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા પહેલેથી જ ચીનના અબજો રૂપિયાના દેવા તળે દટાયેલું છે.

આ બધા વચ્ચે મહિંદા રાજપક્ષેએ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે દેવું ચુકવવા માટે ભારત પાસે વધારાનો સમય માંગ્યો છે. ભારતે શ્રીલંકાને 96 કરોડ ડોલરની લોન આપેલી છે. આ દેવું ભરપાઈ કરવાને લઈ ભારત અને શ્રીલંકા વચ્ચે વાતચીત થઈ રહી છે. જો કે ભારતે હજુ સુધી આ મામલે કોઈ આશ્વાસન નથી આપ્યું.

શ્રીલંકન સરકારે ભારત સાથે મુદ્રા અદલા-બદલીની માંગ કરી છે. શ્રીલંકાએ વૈશ્વિક સ્તરે 2.9 અબજ ડોલરનું દેવું ચુકવવાનું છે જેથી શ્રીલંકન સરકારે બે વખત ભારત સરકાર પાસે મુદ્રાની અદલા-બદલીની માંગ કરેલી છે. શ્રીલંકાની પીએમ ઓફિસના નિવેદન પ્રમાણે સરકારે તમામ નાણાં ધીરનારાઓને રકમની ચુકવણી માટેની સમયસીમા વધારવા વિનંતી કરી છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વચ્ચે ગત મે મહીનામાં લોન અંગેની વાત થઈ હતી. તેમાં ચીને શ્રીલંકાને તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા 50 કરોડ રૂપિયાની લોન આપવા રજૂઆત કરી હતી.

શ્રીલંકાએ સમગ્ર વિશ્વના દેશો પાસેથી કુલ 55 અબજ ડોલરની લોન લીધેલી છે. એક અહેવાલ પ્રમાણે આ ધનરાશિ શ્રીલંકાના કુલ જીડીપીનો 80 ટકા ભાગ છે. તેમાં સૌથી વધું દેવુ ચીન અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લીધેલું છે. ત્યાર બાદ જાપાન અને વિશ્વ બેંક તેના પછીના ક્રમે આવે છે. ભારતે શ્રીલંકાના જીડીપીના બે ટકા જેટલી લોન આપેલી છે.

શ્રીલંકાએ કોરોના વાયરસનો સામનો કરવા માટે જૂન મહીનાના મધ્યમાં ચીનમાં બનેલા ફેસ માસ્ક અને ચિકિત્સા ઉપકરણોની એક ખેપ મેળવી હતી. આ ઘટના શ્રીલંકા બેઈજિંગની વિદેશ નીતિ અને ડોનેશન ડિપ્લોમસીનો મહત્વપૂર્ણ હિસ્સો હોવાનો પુરાવો છે. શ્રીલંકાને આર્થિક રીતે નબળું પાડ્યા બાદ ચીન હવે પોતે જ વાયરસ ફેલાવીને તેની સારવાર કરી રહ્યું છે.

ચીનના ઈન્ડો પેસિફિક એક્સપેન્શન અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (બીઆરઈ)માં ચીને શ્રીલંકાને પણ સામેલ કર્યું છે. ચીનનું દેવુ ન ચુકવી શકવાના કારણે શ્રીલંકાએ 2017ના વર્ષમાં પોતાનું હંબનટોટા બંદર ચીનની મર્ચન્ટ પોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ કંપનીને 1.12 અબજ ડોલરમાં 99 વર્ષ માટે લીઝ પર આપ્યું હતું. જો કે હવે શ્રીલંકા તે પોર્ટને પાછું મેળવવા ઈચ્છે છે.

2017 પહેલા અમેરિકા અને શ્રીલંકા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. તે સમયે અમેરિકાના સમર્થક સિરિસેના-વિક્રમ સિંઘે પ્રશાસને અમેરિકા સાથે Acquisition and Cross-Servicing Agreement (ACSA)ને આગામી 10 વર્ષ માટે વધાર્યું હતું. તેનાથી અમેરિકાને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાના ઓપરેશન માટે લોજિસ્ટિક સપ્લાય, ઈંધણ ભરવા અને રોકાવાની સુવિધા મળતી હતી. પરંતુ હવે ગોટબાયા પ્રશાસને પોતાના અમેરિકા સાથેના સંબંધો ઘટાડી દીધા છે.