હવે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે બીજા કોઈના લિવરની નહીં પડે જરૂર, વૈજ્ઞાનિકોએ લેબમાં જતૈયાર કર્યું લિવર

April 07, 2021

હવે જે લોકોનું લિવર (Liver) ખરાબ થઈ ગયું છે તે લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ (Liver Transplant) પરેશાની નહીં બને. કેમ કે વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં લિવર બનાવવાની ટેક્નોલોજી વિકિસત કરી લીધી છે. બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટીના ઈન્સ્ટીટ્યુટ ઓફ બાયોસાયન્સના હ્યુમન જીનોમ એન્ડ સ્ટેમ સેલ રિસર્સ સેન્ટર (HUG-CELL)એ આ ટેકનોલોજી વિકસાવી છે. હવે સાયન્ટિસ્ટ લેબમાં લિવરને ફરીથી બનાવી શકે છે, તેને રિપેર કરી શકે છે અને લેબમાં જ તેનું ઉત્પાદન કરી શકે છે.


હાલમાં સાયન્ટિસ્ટે ઉંદરના લિવરને લેબમાં બનાવ્યું છે. હવે વૈજ્ઞાનિક આ ટેક્નોલોજીને વધારે હાઈટેક અને સટીક બનાવીને માણસોના લિવરનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં લાગી ગયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે તે લેબમાં લિવર બનાવીને દુનિયાની એક મોટી સમસ્યાના નિદાન કરવામાં 100 ટકા સફળ થશે. અને જો આ સફળતા મળે છે તો લેબમાં વિકસિત લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે.


લેબમાં વિકસિત ઉંદરના લિવરની સ્ટડીને મટિરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગઃસી માં પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડીને કરનાર પ્રમુખ સાયન્ટિસ્ટ લુઈઝ કાર્લોઝ ડી કૈયર્સ જુનિયરે કહ્યું કે, અમે માણસોને ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવા લિવરનું લેબમાં મોટાપાયે ઉત્પાદન કરવા માગીએ છીએ.


લુઈઝે કહ્યું કે તેનાથી એ લોકોને સૌથી વધારે ફાયદો થશે કે જેઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર કે કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડે છે. અમે આ સમયે એ વાતના પ્રયાસમાં લાગેલા છીએ કે એવું લિવર બનાવીએ કે જે માણસના શરીર મુજબ ઢળી જાય અને માણસનું શરીર તેને ફગાવી ન દે.