પતંજલિએ બનાવેલી કોરોનાની દવા કોરોનિલ WHO સર્ટિફાઇડ કે માન્ય નથી

February 22, 2021

નવી દિલ્હીઃ પતંજલિ દ્વારા ગયા શુક્રવારે જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી દવા કોરોનિલ WHO દ્વારા માન્ય કે સર્ટિફાઈડ ન હોવાનું જાણવા મળ્યું છે. WHO દ્વારા ટ્વિટ કરીને ખુલાસો કરાયો છે કે પતંજલિની દવા કોરોનિલ WHO માન્ય કે સર્ટિફાઈડ નથી. WHOએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોરોનાની સારવાર માટે કોઈ ટ્રેડિશનલ દવાની અસરનો રિવ્યૂ કર્યો નથી કે કોઈ સર્ટિફિકેટ આપ્યું નથી. ગયા શુક્રવારે જ કોરોનિલને લોન્ચ કરતી વખતે પતંજલિએ દાવો કર્યો હતો કે તેની કોરોનાની દવા કોરોનિલને WHOની સર્ટિફિકેશન સ્કીમ હેઠળ આયુષ મંત્રાલય દ્વારા માન્યતા અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
પતંજલિના એમડીના આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કર્યું હતું કે, કોરોનિલને ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા એટલે કે DCGI દ્વારા ફાર્મા પ્રોડક્ટ સર્ટિફિકેટ એટલે કે CPP આપવામાં આવ્યું છે. પતંજલિ દ્વારા આ મુદ્દે લોકોનાં મનમાં રહેલી ગૂંચવણ દૂર કરવામાં આવી છે. WHO દ્વારા કોઈ દવાને મંજૂર કે નામંજૂર કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવ દ્વારા ફરી એકવાર કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરાઈ હતી. બાબા રામદેવે દાવો કર્યો હતો કે કોરોનાની દવા કોરોનિલ WHO સર્ટિફાઈડ છે. એવો દાવો કરાયો છે કે WHO દ્વારા તેને GMP ગૂડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.