કેનેડામાં મૂળ વતનીઓના પર અત્યાચાર બદલ પોપ ફ્રાંસિસે માફી માંગી

July 27, 2022

કેનેડામાં પોપ ફ્રાંસિસે સોમવારે કેથોલિક ચર્ચની રેસિડેન્શિયલ સ્કૂલોમાં બાળકો સાથેના જાતીય ગેરવર્તણૂક સહિત અનેક પ્રકારના અત્યાચારો માટે માફી માંગી હતી. પોપે સ્થાનિક લોકોની માફી માગતા કહ્યું કે અત્યાચારની આ ઘટનાઓ વિનાશક નીતિનું પરિણામ હતી. તેઓએ રવિવારે આલ્બર્ટા પ્રાંતના એડમોન્ટન પહોંચ્યા હતા. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ગવર્નર જનરલ મેરી મે સાઈમને તેમનું સ્વાગત કર્યું હતું.

પોપ ફ્રાંસિસના માફીનામામાં જણાવવામાં આવ્યું હતું કે મૂળ વતનીઓને બળજબરીથી ખ્રિસ્તી સમાજમાં સમાવવાથી તેમની સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ હતી. તેમને તેમના પરિવારોથી અલગ થવું પડ્યું હતું. ફ્રાન્સિસે કહ્યું કે ઘણા ખ્રિસ્તીઓએ મૂળ વતનીઓ પર કરેલા તમામ અત્યાચારો માટે હું માફી માંગુ છું.

કેનેડાના આલ્બર્ટા પ્રાંતના એડમોન્ટનની દક્ષિણે આવેલી નિવાસી શાળામાં ફ્રાંસિસની અઠવાડિયાની પ્રાયશ્ચિત યાત્રા શરૂ થઈ હતી. પોપ 24 થી 30 જુલાઈ દરમિયાન પીડિતો અને તેમના પરિવારોની માફી માંગશે. કેનેડા પહોંચ્યા પછી, ફ્રાંસિસે ચાર ક્રીની (ઉત્તર અમેરિકન મૂળ લોકો કે જેઓ અગાઉ કેનેડામાં રહેતા હતા) જમીન પર પ્રાર્થના કરી હતી.