વિદેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પ્રિ-પેઇડ ડ્યૂટી વસૂલવા તૈયારી

February 11, 2020

મુંબઈ:વિદેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી પ્રોડક્ટ્સ ખરીદવાનું મોંઘું બને તેવી શક્યતા છે. સરકાર ભારત બહારના ટ્રાન્ઝેક્શન્સ માટે પ્રિ-પેઇડ ટેક્સ અને કસ્ટમ્સ મોડલ અમલી બનાવવાનું વિચારી રહી છે. એનો અર્થ એ થયો કે, ચીન અને અન્ય દેશોના ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સે પ્રોડક્ટ્સ ભારત મોકલતી ‌વખતે જ કેન્દ્ર સરકારની IT સિસ્ટમ દ્વારા ટેક્સ અને કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવવા પડશે. ત્યાર પછી જ તે ગૂડ્ઝની ડિલિવરી કરી શકશે. 

પ્રિ-પેઇડ કસ્ટમ્સ અને ટેક્સ મોડલને પગલે વિદેશી વેબસાઇટ્સ પરથી પ્રોડક્ટ્સ ખરીદવાનું લગભગ 50 ટકા મોંઘું થવાની શક્યતા છે. સરકારે વિદેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ માટે પ્રિ-પેઇડ કસ્ટમ્સ ડ્યૂટી અને IGST મોડલ અમલી બનાવવા વિવિધ પક્ષકારો પાસે ભલામણ માંગી છે. સરકાર એવી સિસ્ટમ દાખલ કરવા માંગે છે જેની મદદથી કસ્ટમ્સ વિભાગ પોતાનો પેમેન્ટ ઇન્ટરફેસ શરૂ કરી શકે. જેથી પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર અથવા ઇ-કોમર્સ પ્લેટફોર્મનું તેની સાથે ઇન્ટિગ્રેશન કરી શકાય. વિદેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સે ટ્રાન્ઝેક્શનની માહિતી આપવી પડશે. ઉપરાંત, પ્રિ-પેઇડ ડ્યૂટી જમા કરાવવી પડશે. જેના બદલામાં તેમને રિસિટ અને ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મળશે.