પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશને સંબોધન, દેશવાસીઓને આપી શુભકામના

January 25, 2021

નવી દિલ્હી- 72માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધિત કર્યો અને તેમણે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી. તેમણે કહ્યું, આપણાં રાષ્ટ્રીય તહેવારોને દરેક દેશવાસી રાષ્ટ્રભાવ સાથે મનાવે છે. પ્રજાસત્તાક દિવસનું રાષ્ટ્રીય પર્વ આપણે પુરા ઉત્સાહ સાથે મનાવીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજ તથા બંધારણ પ્રત્યે સમ્માન અને આસ્થા વ્યક્ત કરીએ છીએ.
રાષ્ટ્રપતિએ કહ્યું. બંધારણની ઉદ્દેશિકામાં રેખાંકિત ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાના જીવન મુલ્ય આપણાં સૌ માટે પુનીત આદર્શ છે. એ આશા વ્યક્ત કરવામાં આવે છે કે માત્ર શાસનની જવાબદારી નિભાવનારા લોકો જ નહી પરંતુ આપણે સૌ સામાન્ય નાગરિક પણ આ આદર્શોની દૃઢતા અને નિષ્ઠાપૂર્વક પાલન કરે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, અંતરિક્ષથી લઈને ખેતરો સુધી, શિક્ષણ સંસ્થાનોથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણા જીવન અને કામકાજને સરળ બનાવ્યું છે. દેશમાં ચાલી રહેલા ખેડુત આંદોલન વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિપરિત પ્રાકૃતિક પરિસ્થિતિઓ, અનેક પડકાર અને કોરોના મહામારી છતાં આપણાં ખેડુત ભાઈઓ-બહેનોને કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી આવવા દીધી નથી. આ કૃતજ્ઞ દેશ આપણાં અન્નદાતા ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, સિયાચિન અને ગલવાન ઘાટીમાં માઈનસ 50 થી 60 ડિગ્રી તાપમાનમાં, જેસલમેરમાં 50 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધારેનું તાપમાનમાં, ધરતી, આકાશ અને દરિયા કિનારે આપણી સેના ભારતની સુરક્ષાનું દાયિત્વ નિભાવે છે. આપણાં સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર આપણે સૌ દેશવાસીઓને ગર્વ છે.
રાષ્ટ્રપતિએ કોરોનાકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિવસ-રાત પરિશ્રમ કરતા કોરોના વાઈરસને ડી-કોડ કરી તથા ખુબ ઓછા સમયમાં જ વેક્સિન વિકસિત કરી. આપણાં વૈજ્ઞાનિકો સમગ્ર માનવતાના કલ્યાણ માટે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગત વર્ષે જ્યારે માનવતા એક વિકરાળ આપદાનો સમનો કરતા અટકી પડી હતી તે દરમિયાન હું ભારતીય બંધારણના મૂળ તત્વોનું મનન કરતો રહ્યો. મારું માનવું છે કે બંધુતા આપણાં બંધારણિય આદર્શના બળ પર જ આ સંકટનો પ્રભાવી રીતે સામનો કરવો શક્ય બન્યો છે. આત્મનિર્ભર ભારતે કોરોના વાઈરસથી બચવા માટે પોતાની વેક્સિન બનાવી લીધી છે. હવે મોટાપાયે  વેક્સિનેશનનું જે અભિયાન ચાલી રહ્યું છે તે ઈતિહાસમાં પોતાની રીતનો સૌથી મોટો પ્રકલ્પ હશે.