અલગ ખાલિસ્તાનની માગણી કરતો પંજાબ ૨૦૨૦ રેફરેન્ડમ કેનેડાએ ફગાવ્યો

July 25, 2020

ટોરન્ટોઃ કેનેડાની જસ્ટિન ટ્રુડોની સરકારે અલગ ખાલિસ્તાન રાજ્યની માગણી કરતો પંજાબ ૨૦૨૦ રેફરેન્ડમ ફગાવ્યો હતો. કેનેડાનાં અલગતાવાદી અને ખાલિસ્તાન તરફી ગ્રુપ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા આ રેફરેન્ડમનું આ વર્ષનાં નવેમ્બરમાં આયોજન કરાયું હતું. કેનેડાની સરકારે તેને ફગાવતા ભારત માટે આ મોટી કૂટનીતિક જીત છે. કેનેડાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, કેનેડા ભારતની સંપ્રભુતા અને સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરે છે અને કેનેડાની સરકાર સૂચિત રેફરેન્ડમને માન્ય રાખતું નથી. પ્રવક્તાએ કહ્યું કે કેનેડા અને ભારત વચ્ચેનાં મૈત્રીપૂર્ણ અને સોહાર્દભર્યા સંબંધો એ કેનેેડા સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. કેનેડાનાં હાઈ કમિશન દ્વારા ભારતને આની જાણ કરાઈ હતી. કેનેડાનાં આ નિર્ણયને પંજાબની પ્રજાએ આવકાર્યો હતો અને અલગ ખાલિસ્તાનની માગણીને ટેકો આપ્યો ન હતો. ૨૦૦૭માં કેટલાક અલગતાવાદીઓ દ્વારા SFJની સ્થાપના કરાઈ હતી.
શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં શીખો માટે અલગ ખાલિસ્તાનની માગણી કરતા બંધનકર્તા નહીં તેવા રેફરેન્ડમને ટેકો આપવા ટ્રુડો સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.