RBIની બેઠકના પરિણામોની જાહેરાતઃ રેપો રેટ સ્થિર, EMI પર રાહત નહીં

August 06, 2020

નવી દિલ્હી- રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો તેનો મતલબ એવો કે લોકોને ઈએમઆઈ કે લોનના વ્યાજ દરો પર નવી કોઈ રાહત નહીં મળે. 

આરબીઆઈના ગવર્નરે જણાવ્યું કે, ગ્લોબલ ઈકોનોમી હજુ પણ નબળી છે. જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જળવાઈ રહ્યો છે.
 આરબીઆઈના ગવર્નરના કહેવા પ્રમાણે છૂટક ફુગાવાનો દર હજુ પણ નિયંત્રણમાં છે તથા બીજા છ મહીના દરમિયાન મોંઘવારી દર ઘટી શકે છે. 

શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે કોરોનાની માર બાદ દેશની ઈકોનોમી હવે ટ્રેક પર પાછી ચઢી રહી છે તથા સારી ઉપજના કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે. 

કોરોના કાળમાં રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા માટે ત્રીજી બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે બે વખત સમય પહેલા બેઠકો યોજાઈ ચુકી છે. પહેલી બેઠક માર્ચમાં અને તેના બાદ મે 2020માં બીજી બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકમાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કુલ મળીને 1.15 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2019 બાદ રેપો રેટમાં 2.50 ટકાનો કાપ મુકાઈ ચુક્યો છે. 

એસબીઆઈના સંશોધન રિપોર્ટ પ્રમાણે બેંકોએ નવા દેવા પર વ્યાજ દરોમાં સરેરાશ 0.72 અંકનો કાપ મુક્યો છે. તેનાથી રેપો રેટમાં કાપનો લાભ ગ્રાહકોને વ્યાજ દરમાં કાપ દ્વારા ઝડપથી આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું. એસબીઆઈ એ રેપો સાથે સંકળાયેલી છૂટક લોનના વ્યાજમાં 1.15 ટકાનો કાપ મુક્યો છે