કલમ 370 હટાવવી ગેરકાયદેસર : ચીનને એક વર્ષ પછી જ્ઞાન થયું!

August 06, 2020

 

બિજીંગ : કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દીધાના એક વર્ષ પછી હવે ચીનને અચાનક આ મુદ્દે જ્ઞાન લાદ્યું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી એ ગેરકાયદેસર પગલું છે. ભારતે કલમ હટાવાને બદલે વાટા-ઘાટો દ્વારા આ સમસ્યાનો હલ લાવવો જોઈતો હતો એવી સલાહ ચીને આપી હતી. જોકે ચીન પોતે હોંગકોંગ અને તાઈવાન સહિતના પ્રદેશોને દબડાવી રહ્યું છે અને ભારતને પોતાના આંતરિક મામલામાં શું કરવું તેની સલાહ આપી રહ્યું છે.

બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બદલ નેપાળે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.  નેપાળના નાયબ વડા પ્રધાન કમલ થાપાએ ટ્વીટ કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન એ ઐતિહાસિક પ્રસંગ છે. ભગવાન રામ સમગ્ર સૃષ્ટિ માટે પ્રેરણાદાયી છે. ભારત સરકારને આ નિર્ણય બદલ અભિનંદન. બીજી તરફ પાકિસ્તાને રાબેતામુજબ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે જ્યાં  મસ્જીદ છે ત્યાં મસ્જીદ જ રહેવી જોઈએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે ભારતની સુપ્રીમ કોર્ટે બાબરી વિવાદ અંગેનો જે ચૂકાદો આપ્યો એ ખોટો છે, માટે ત્યાં હવે મંદિર બની રહ્યું છે.

પાકિસ્તાની સરકારના રેલવે મંત્રી શેખ રશીદે કહ્યુ કે ભારત હવે બિનસાંપ્રદાયિક દેશ રહ્યો નથી, રામ નગર બની ગયો છે.  ચીને કહ્યું હતું કે કાશ્મીર સાથે પાકિસ્તાન સંકળાયેલું હોવાથી કાશ્મીર અંગેનો કોઈ પણ નિર્ણય લેતાં પહેલા પાકિસ્તાન સાથે વાટા-ઘાટો કરવી જોઈએ. મોદી સરકારે વર્ષોથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦, ૨૦૧૯ની ૫મી ઓગસ્ટે હટાવી દીધી હતી. એ ઘટનાના એક વર્ષ નિમિતે ચીની વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી હતી.