બોલ ચમકાવવા લાળના ઉપયોગ પર રોકની ભલામણ

May 20, 2020

નવી દિલ્હી : ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે વર્ષોથી લાળ કે પરસેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખેલાડી પોતાની લાળ બોલ પર લગાવીને તેને ચમકાવે છે. જો કે, હવે તેના પર પ્રતિબંધ લાગી શકે છે. કોરોના વાયરસ પર નિયંત્રણ બાદ હવે જ્યારે પણ ક્રિકેટ ફરીથી શરૂ થશે તો ખેલાડીઓને તેના ચેપથી બચવા માટે આઈસીસી બોલર પર લાળના ઉપાયેગ પર પ્રતિબંધ લગાવી શકે છે. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઈસીસી ક્રિકેટ કમિટીએ સોમવારે ભલામણ કરી છે. સોમવારે થયેલી આઈસીસીની વિડીયો કોન્ફરન્સિંગ બેઠકમાં કમિટીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં આપણે અસામાન્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તેવામાં કમિટીના ભલામણ અંતરિમ છે જેનાથી તમામ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી શકે અને ક્રિકેટને ફરીથી પાટા પર લાવી શકાય. આઈસસી દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં અનિલ કુંબલેએ કહ્યું હતું કે, બોલની શાઈન ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને લાલ બોલના ફોર્મેટમાં આવું થાય છે. જેનાથી બોલને સ્વિંગ કરાવવામાં મદદ મળી શકે પરંતુ આવું કરવાથી હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક દેખાઈ રહ્યું છે. ગત મહિનાથી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે સુરક્ષા માપદંડો અંતર્ગત આઈસીસી તેના પર પ્રતિબંધ મૂકી દેશે. બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તે કહી શકાય છે કે તે ક્રિકેટના એક નવા યુગની શરૂઆત હશે. જો કે, ફેરફાર બાદ બોલ અને બેટની રમતમાં સંતુલનને કેટલી અસર પડે છે તે તો સમય જણાવશે. અગાઉ માઈકલ હોલ્ડિંગ અને વકાર યુનિસ જેવા ભૂતપૂર્વ ઝડપી બોલર આઇડિયાને બકવાસ ગણાવી ચૂક્યા છે.