સચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર મુઝફ્ફરપુરમાં આનું નિર્માણ કરશે; કહ્યું- ડોનેશન નહીં માગુ, મારા સ્વખર્ચે મંદિર બનાવીશ

July 17, 2021

મુઝફ્ફરપુર : બિહારના મુઝફ્ફરપુરમાં 'ક્રિકેટના ભગવાન' કહેવાતા સચિન તેંડુલકરનું મંદિર બનશે. આની જાહેરાત સચિનના 'સુપર ફેન' સુધીર કુમારે કરી હતી. તેમણે કહ્યું હતું કે 4 વર્ષની અંદર આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે. અત્યારે સુધીર મંદિર બનાવવા માટે જગ્યા શોધી રહ્યો છે. જો કોઇ કારણોસર મંદિર માટે જગ્યા નહીં મળે તો મુઝફ્ફરપુરમાં જ ક્યાંક તે મંદિરનું નિર્માણ કરશે.

સુધીરે ઇચ્છા પ્રગટ કરી હતી કે આ મંદિરમાં સૌથી પહેલા સચિન પ્રવેશ કરે. તે મંદિરના ઉદ્ઘાટન માટે સચિનને તે આમંત્રણ પણ આપશે. જ્યારે સુધીર સાથે વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે મંદિર બનાવવા માટે ડોનેશન માગશે? તો એણે આ વાતને નકારી કાઢી હતી. સુધીરે કહ્યું હતું કે હું સ્વખર્ચે આ મંદિરનું નિર્માણ કરીશ.

સુધીરે કહ્યું હતું કે હું સચિન તેંડુલકરના કારણે જ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયો છું. જ્યારે પણ હું દક્ષિણ ભારતમાં જતો હતો ત્યારે ત્યાં સુપરાસ્ટાર રજનીકાંતના મંદિરને જોતો હતો. કોલકાતાની વાત કરીએ તો ત્યાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું પણ મંદિર બનાવાયું છે. બસ, અહીંથી મને પ્રેરણા મળી અને હવે હું પણ 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરનું મંદિર બનાવીશ.